મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ સુરતના વરાછા વિસ્તારમાં એક વિચિત્ર ઘટના સોમવારે મોડી રાત્રે બની હતી. જેમાં પોતાના ઘર નજીકથી પસાર થઈ રહેલા લગ્નના વરઘોડાને જોવા માટે પહેલા માળની ગેલેરીમાં બે મહિલાઓ ઊભી હતી. પણ, બન્યું એવું કે વરઘોડામાં ફટાકડાંની સાથે કોઇએ હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. હવામાં ગોળીબાર કર્યો તેમાં એક ગોળી આ મહિલાને વાગી જતાં તે ત્યાં જ ઢળી પડી હતી. જેને સારવારાર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં ફરજ પરના તબીબે તેને નિષ્પ્રાણ જાહેર કરી હતી. આ રીતે એક નિર્દોષ મહિલાનું મોત થયું હતું.

વરાછા વિસ્તારમાં આવેલા લક્ષ્મીનગરમાંથી રાત્રિના સમયે વરઘોડો પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન વરઘોડાને ઘરની ગેલેરીમાંથી બે પડોશી મહિલાઓ જોઈ રહી હતી. વરઘોડોમાંથી ગોળી છૂટતાં સાવિત્રીબેન દેવરાજ બડગુર્જર (ઉ.વ.42)ને ગાલ પર ગોળી વાગતાં તેને હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં તેમને મૃત જાહેર કરાતાં વરાછા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સોમવારે રાત્રે 11.30થી 1 વાગ્યાની વચ્ચે ગોળી વાગતા સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાયું અને સાવિત્રીદેવીના શરીરમાંથી ગોળી નીકળી ત્યારે ખ્યાલ આવ્યો કે હવામાં ફાયરિંગ થયું હતું. આખરે વરાછા પોલીસે અજાણ્યા સામે ગુનો નોંધી તેને પકડી પડાવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ આ મહિલા બે પુત્રોની માતા હતા. જ્યારે તેના પતિ રત્નકલાકાર તરીકે કામ કરે છે.