મેરાન્યૂઝ નેટવર્ક. સુરતઃ સામાન્ય સંજોગોમાં કોઈ પ્રોફેશનલ ગુનેગાર ગુનાને આખરી અંજામ આપતી વખતે એટલી કાળજી રાખે છે કે પ્રત્યેક ગતિવિધિમાં પોલીસે ગુનેગાર સુધી પહોંચવામાં નાકે દમ આવી જાય. આ થઈ રીઢા ગુનેગારની વાત. પણ, આપણે સુરતના એક કિસ્સાની વાત કરવી છે. જેમાં આરોપી રીઢો ગુનેગાર નથી આમ છતાં પ્રેમિકાની હત્યા કરવાથી લઈ પુરાવાનો નાશ કરવા સુધીની પ્રત્યેક ગતિવિધિમાં તેણે જે કાળજી રાખી તે રીઢા ગુનેગારને પણ શરમાવે તેવી હતી.

તબીબ પત્નીના પ્રેમી કમ હત્યારાએ ગુનો કરતી વખતે એક રીઢા ગુનેગારને શરમાવે તેવું વર્તન કર્યું હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે. ગુનો કરતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળ્યો છે તો કોઈ જગ્યાએ પોતે સીસીટીવી કેમેરામાં કેદ ન થઈ જાય તેની પણ વિશેષ કાળજી રાખી છે. વળી, પુરાવાનો નાશ કરવામાં પણ તેણે બરાબરનો ખ્યાલ રાખી પોલીસને રીતસર ગોથે ચડાવી દીધી હતી.
વરાછામાં લંબે હનુમાન પરના પંચરત્ન ટાવરમાં રહેતા ડો. નીલેશ વિરાણીનાં પત્ની બીનાબહેન (ઉ.વ.36) ગઈ તા. 27-4-18ના સાંજે સાતેક વાગ્યે મોટા વરાછામાં રહેતાં તેમની માતા સાથે શાકભાજી ખરીદવા ગયા બાદ માતાને મારે થોડું કામ છે તેમ કહી ઘરે રવાના કરી દીધા બાદ પોતે ગુમ થઈ ગયા હતા. જેનો મૃતદેહ તા. 28મીએ સાપુતારા નજીકના એક અવાવરુ સ્થળેથી મળ્યો હતો.

આ ઘટનામાં પોલીસે બીનાબહેનના પ્રેમી કમ હત્યારા અને નીલેશ વિરાણીના બાળપણના મિત્ર સંજય ડોબરિયા (ઉ.વ.36)ની ધરપકડ કરી છે. જેણે એક રીઢા ગુનેગારને છાજે તેવું વર્તન ગુનો કરતી વેળાએ કર્યું છે. આ બાબતે ડાંગના એએસપી અજિત રાજીયનનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે સંજયે પહેલેથી જ ટેક્નિકલી જાણકારીનો ખાસ ખ્યાલ રાખ્યો છે. એક તો ગુનો કરતી વખતે કોઈ પણ જગ્યાએ પોતાના કે બીનાબહેનના મોબાઇલ ફોનનો ઉપયોગ ન થાય તેની કાળજી રાખી છે. વળી, સુરતથી ડાંગ સુધી મૃતદેહને કારમાં લઈ 200થી વધુ કિલોમીટર રખડ્યો તે વખતે કોઈ પણ જગ્યાએ પોતે સીસી કેમેરામાં કેદ ન થઈ જાય તેનું ધ્યાન રાખ્યું છે. આંતરિક રસ્તાનો ઉપયોગ કરી તે ડાંગ સુધી પહોંચ્યો હોવાથી તે દક્ષિણ ગુજરાતના રસ્તાનો જાણકાર હોવાનું ફલિત થયું છે. આ ઉપરાંત પુરાવાનો નાશ કરવાની બાબતમાં પણ તેણે રીઢા ગુનેગાર જેવું જ વર્તન કર્યું છે. બીનાબહેનની હત્યા કર્યા બાદ કપડાંના કારણે તેની ઓળખ ન થાય તેની પણ કાળજી રાખી છે. જેથી હત્યા કર્યા બાદ બીનાબહેનનાં કપડાં બદલી નાખ્યાં હતાં. જે કપડાં તેણે તાપી નદીના ઊંડા પાણીમાં ફેંકી દીધા હતા. જે હજુ સુધી મળ્યા નથી. તો જે  વાયરથી બીનાબહેનનું ગળું દબાવી હત્યા કરી તે વાયર પણ તાપી નદીમાં ફેંકી દીધો હતો. જે વાયર તો પોલીસને મળી ગયો છે પણ એ વાયર મેળવવા પોલીસે ખૂબ મહેનત કરવી પડી. તો બીનાબહેન પોતે એક અંગત મોબાઇલ ફોન વાપરતા હતા તે ફોન તોડી ફોડીને તાપીમાં ફેંકી દીધો હતો. જે પોલીસે કબજે કર્યો છે અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી આપ્યો છે. આ ફોન મેળવવા માટે પણ પોલીસને રીતસર પરસેવો પડ્યો હતો.

આમ, ગુનો કરવાથી લઈ પુરાવાનો નાશ કરવા સુધીની તમામ ગતિવિધિમાં સંજય ડોબરિયાએ એક રીઢા ગુનેગારને શરમાવે તેવી કાળજી રાખી છે. આટલું અધૂરું હોય તેમ પોલીસને અને બીનાબહેનના પરિવારજનોને ગેરમાર્ગે દોરવા તે બીનાબહેનની સ્મશાનયાત્રામાં અને બેસણામાં પણ હાજર રહ્યો હતો.