મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતની તાપી નદી ઉપરાંત નવસારીની મીંઢોળા નદી બાદ હવે કીમ નજીકની નદી પણ પ્રદૂષિત થઈ ગઈ છે ત્યારે સવાલ એ છે કે પ્રદૂષણ ક્યાં જઈને અટકશે.
ઝીરો ડીસ્ચાર્જની ચેતવણી તમામ ઇન્ડસ્ટ્રીને અપાઈ છે, છતાં કીમ નદી પ્રદૂષિત પાણીના હવાલે થઈ ગઈ છે. મિંઢોળા નદીની જેમ કીમ નદી પણ પ્રદૂષણને લીધે કોઈ ગંધાતી કેમિકલયુક્ત ખાડીની જેમ લાલ થઈ ચૂકી છે. રોજનું લાખો લીટર પ્રદૂષિત પાણી જીઆઈડીસીની ડાઈંગ મિલ્સમાંથી કીમ નદીમાં છોડાઈ રહ્યું છે છતાં ગુજરાત પોલ્યૂશન કંટ્રોલ બોર્ડ આઉટ ઓફ કંટ્રોલ થઈ ચૂક્યું છે.

કીમ નજીક થઈને વહેતી કીમ નદીની આસપાસ નવાપુરા, મોટા બોરાસરા, કુડસદ જેવા વિસ્તારમાં ધમધમતી જી આઈ ડી સીઓ આવેલી છે, આ વિસ્તારમાં ૧,૮૦૦થી ૨,૦૦૦ જેટલાં નાના મોટા ઓદ્યોગિક એકમો છે, વર્ષ ૧૯૮૮થી આ વિસ્તારમાં જી આઈ ડી સી ની સ્થાપના થઇ છે. ત્યારથી તમામ એકમોને ઝીરો ડીસ્ચાર્જની ચેતવણી છે. છતાં તેનું કોઈ પાલન થતું નથી. પોલ્યૂશન બોર્ડની રહેમ નજર હેઠળ મોટા ભાગના એકમોમાંથી દૂષિત પાણી સીધું ખાડીમાં છોડી દેવામાં આવે છે, આ પાણી ખાડી વાટે થઇ સીધું કીમ નદીમાં જાય છે, કીમ આસપાસની જી આઈ ડી સીમાં ૪૫ ડાઈંગ મિલ્સ આવેલી છે. પર્યાવરણ માટે હાનિકારક રસાયણોનો ઉપયોગ કરતી આ મિલમાંથી કેમિકલવાળું પાણી સીધું ખાડીમાં છોડી દેવામાં આવે રહ્યું છે. કીમ નદી એટલી દુષિત થઇ ગઈ છે કે આ પાણી ખેતી માટે ઉપયોગમાં લઇ શકાય એટલું પણ યોગ્ય રહ્યું નથી, નદીનું પાણી જળચર માટે પણ હવે ખતરારૂપ સાબિત થઇ ચૂક્યું છે.

હાલમાં જ કીમ માંડવી રોડને ૪ લેન બનાવવા માટેનું કાર્ય ગતિમાં છે. બંને તરફની કેનાલવાળો રસ્તો માર્ગ અને મકાન ખાતાએ પૂરી દીધો છે. આને લીધે જીઆઈડીસીનું પાણી સમગ્ર રેહણાંક વિસ્તારમાં ફરી વળ્યું છે. લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જોકે, હજુ પણ પોલ્યૂશન બોર્ડના પેટનું પાણી હલ્યું નથી.