મેરાન્યૂઝ નેટવર્ક. સુરતઃ સુરતના પાંડેસરા વિસ્તારમાંથી બાળકીની હત્યા કરાયેલી લાશ મળી તેનો ભેદ ઉકેલવામાં પોલીસ હજુ સુધી સફળ થઈ નથી તેવા સમયે 2009 અને 2011ના વર્ષમાં આવી જ રીતે બે બાળકીની હત્યા થઈ તે ગુનાનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી.

પાંડેસરામાંથી 11 વર્ષની બાળકીની હત્યા કરાયેલી લાશનો ભેદ ઉકેલવા શહેર પોલીસ મથી રહી છે તેવા સમયે 2009 અને 2011ના વર્ષમાં ડિંડોલી વિસ્તારમાં અલગ અલગ કિસ્સામાં બે બાળકીની હત્યા કરાયેલી લાશ મળી હતી. જે બન્ને ગુનાનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી.  2011ના વર્ષમાં જે બાળકીની લાશ મળી હતી તેની તો હજુ સુધી ઓળખ સુદ્ધાં પોલીસ કરી શકી નથી.

2009ના વર્ષમાં ભેસ્તાન ગામની સીમમાં ભીખુભાઈ મકનભાઈ પટેલના શેરડીના ખેતરમાંથી 9 વર્ષની બાળકીની હત્યા કરાયેલી લાશ મળી હતી. જેના બન્ને હાથ કપડાં વડે બાંધેલા હતા અને મોઢામાં ડૂચો ભર્યો હતો. આ ઘટનાની તપાસ કરતી લિંબાયત પોલીસની જે તે વખતે તપાસમાં આ બાળકી પૂજા મહેશભાઈ દેવનાથી હોવાનું ખુલ્યું હતું. પરંતુ આ બાળકીની હત્યા કોણે અને શા માટે કરી? એ પ્રશ્નોનો ઉત્તર મેળવવામાં પોલીસ નિષ્ફળ રહી હતી. આજે પણ આ ગુનાનો ભેદ ઉકેલાયો નથી. હત્યારા મળ્યા નથી.

તો 2011ના વર્ષમાં ડિંડોલીના સીઆર પાટિલ નગર નજીકની માનસી રેસિડેન્સી પાસેના એક પડતર બિલ્ડિંગમાંથી લટકતી હાલતમાં ચાર-પાંચ વર્ષની એક બાળકીની લાશ મળી હતી. જેનું ગળું દબાવી તેની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું હતું. જોકે, આ બાળકીએ સ્કૂલ યુનિફોર્મ પહેર્યો હતો પરંતુ સ્કૂલ યુનિફોર્મમાં શાળાનું નામ ન હોવાથી આ બાળકી કઈ સ્કૂલની હતી તે પણ જાણી શકાયું ન હતું. દુઃખદ બાબત તો એ છે કે આ બાળકીની ઓળખ હજુ સુધી થઈ નથી.