મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સાસરિયાઓ સામે કેસ ચાલતો હોય, આ માટેની કોર્ટ કાર્યવાહીના સંદર્ભે એક મહિલા શનિવારે કોર્ટ સંકુલમાં આવી હતી. જ્યાં કોર્ટ બિલ્ડિંગના નવમા માળેથી મોતની છલાંગ લગાવી હતી. માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેમજ લોહી વધુ માત્રામાં વહી જવાથી આ મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતુ્ં. આપઘાતનું કારણ જાણવા ન મળતાં રહસ્ય ઘેરું બન્યું છે.
અઠવાલાઈન્સ ખાતે આવેલી નવી કોર્ટ બિલ્ડીંગના નવમાં માળેથી કૂદીને એક મહિલાએ આપઘાત કરી લીધો હતો. નવમાં માળેથી ઝંપલાવતાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બાદમાં ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી મહિલાનો મૃતદેહ પીએમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.

નવી કોર્ટ બિલ્ડીંગના આઠમાં માળે પક્ષકાર મહિલા સિમ્પીસિંગ (ઉ.વ.30)ના લગ્ન વિજયસિંગ મુરલીસિંગ સાથે 2015માં થયા હતા. વિજયસિંગ ઉધના ખાતે બેંકમાં નોકરી કરે છે. જે ડિંડોલી નીલગીરી સર્કલ મયૂરનગર ખાતે રહે છે. સિમ્પીસિંગના પિતા લાલસિંગ સત્યનારાયણ નગર બમરોલી ખાતે રહે છે. સિમ્પીસિંગના ભાઈએ જણાવ્યું હતું કે, લગ્નના પ્રથમ દિવસે જ તેણીને સાસરિયાએ ઝેર આપવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ કેસ કર્યો હતો. કેસ પાછો ખેંચવા માટે ધમકીની સાથે દબાણ કરવામાં આવતું હતું. જો કે, સિમ્પીસિંગે ક્યા કારણોસર પડતું મૂક્યું તે અંગે સચોટ કારણ આવ્યું નથી. સિમ્પીસિંગે નવમા માળેથી કુદી પડતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બાદમાં તેણીને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી પીએમ માટેની તજવીજ હાથ ધરી હતી. મહિલા ઉપરથી નીચે કૂદી પડતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને લોહી વધુ નીકળી જવાથી તેણીનું ઘટનાસ્થળે મોત નીપજ્યાનું પ્રાથમિક તબક્કે માનવામાં આવી રહ્યું છે. મહિલા કૂદી પડી ત્યારે આવેલા અવાજના પગલે વકીલોમાં ડરનો માહોલ પેદા થયો હતો અને દોડીને મહિલા જે સ્થળે પટકાઈ હતી ત્યાં એકઠા થઈ ગયા હતા.