મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ ઓલપાડ તાલુકાની ત્રણ સહકારી મંડળીઓમાં રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને ત્રણેય મંડળીઓમાંથી કુલ પોણા ચાર લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. એક સહકારી મંડળીમાંથી તો તસ્કરો આખી તિજોરી જ ચોરી ગયા હતા. તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ઓલપાડ તાલુકામાં આવેલી જાંગીપુરા, ઓલપાડ, અશનાદ સહકારી મંડળીને તસ્કરોએ નિશાન બનાવી હતી. જાંગીપુરા મંડળીની તિજોરી તોડી 1.73 લાખની ચોરી કરી હતી અને સીસીટીવીના ડીવીઆર તોડી નાખી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ ઓલપાડ મંડળીમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ અશનાદ મંડળીમાં કબાટમાં રહેલી તિજોરી તસ્કરો સાથે લઈ ગયા હતા. જેમાં બે લાખથી વધુની રકમ હતી. ત્રણેય મંડળીમાં ચોરી કરનાર ચોરો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. ત્રણ મંડળીમાં ચોરીની ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે.  

ઓલપાડ તાલુકામાં મંડળીઓ દ્વારા હાલ ડાંગરના પાકને લઈને એડવાન્સ રૂપિયા આપવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન ચોરીની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે. જ્યારે ત્રણેય મંડળીઓમાં ચોરી કરનાર એક જ  ટોળકી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.  જાણભેદુ દ્વારા આ કારસ્તાન આચરવામાં આવ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે.