પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ):  સુરતની જાણીતી હરિકૃષ્ણ ડાયમંડ કંપનીના માલિક સવજીભાઈ ધોળકિયાની હમણાં ચારે તરફ વાહ-વાહી થઈ રહી છે. આ દિવાળીમાં તેઓ પોતાના કર્મચારીને 600 કાર બોનસ તરીકે આપી રહ્યા ના સમાચાર ગુજરાત સહિત દેશના વિવિધ માધ્યમોમાં પણ આવી રહ્યા છે. આ ઘટનાનું મહત્વ ત્યારે વધ્યુ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ કરી હિરાઘસુને કારની ચાવીઓ આપી હતી. આ ઘટના અંગે સંત મોરારી બાપુ, રમેશ ઓઝા જેવા સંતોએ પણ વીડિયો દ્વારા અભિનંદન આપ્યા હતા. છેલ્લાં ચાર વર્ષથી પોતાના કર્મચારીઓને કાર અને ઘર આપી રહ્યા હોવાનો દાવો કરતા સવજીભાઈ ધોળકિયાને દરિયાદિલી પાછળનું સત્ય કંઈક બીજુ જ છે.

અમને મળેલી જાણકારી પ્રમાણે હરિકૃષ્ણ ડાયમંડમાં કામ કરતા કર્મચારીને કોસ્ટ ટુ કંપનીના નિયમ હેઠળ પગાર આપવામાં આવે છે, તેનો અર્થ તેને વાર્ષિક કુલ કેટલો પગાર મળશે તે નક્કી જ હોય છે. આ પગારમાં બોનસની રકમ પણ આવી જાય છે, તે મહિને થતાં પગારમાંથી કાપી લેવામાં આવતી હતી. આમ કર્મચારીના પગારમાંથી બોનસની રકમ કાપી લેવામાં આવતી હતી. સવજીભાઈ ધોળકિયાના દાવા પ્રમાણે બોનસમાં કાર આપવામાં આવી છે તે અર્ધ સત્ય છે. કર્મચારીના બોનસની રકમ કર્મચારીને આપવાને બદલે કાર કંપનીને ડાઉન પેમેન્ટ તરીકે આપવામાં આવી છે. આમ કર્મચારીને મળી રહેલી કારનું ડાઉન પેમેન્ટ કર્મચારી પોતે જ કરી રહ્યો છે.

આમ છતાં તમામ 600 કાર કર્મચારીઓના નામને બદલે હરિકૃષ્ણ ડાયમંડ કંપનીના નામે જ ખરીદવામાં આવી છે. ડાઉન પેમેન્ટ કર્મચારીનું પણ કારની માલિકી કંપનીને છે. આ કાર લેનારે બોન્ડ લખી આપવાનો છે કે તે પાંચ વર્ષ કંપનીમાં કામ કરશે. જો ખરેખર કંપની બોનસ પેટે જ કાર આપતી હોય તો પાંચ વર્ષ નોકરીના બેન્ડની જરૂર જ નથી. ડાઉટ પેમેન્ટ ભર્યા પછી કારના માસિક હપ્તામાં અડધો હપ્તો કંપની ભરશે જ્યારે બાકીનો અડધો હપ્તો કર્મચારીના પગારમાંથી કપાઈ જશે. આમ કારનું ડાઉન પેમેન્ટ અને અડધી કિંમત કર્મચારી પોતે જ ભરી રહ્યો છે. જો કે કર્મચારીની કાર આપવાના નામે હરિકૃષ્ણ ડાયમંડ બીજા બે ફાયદો પણ લઈ રહી છે. જેમાં કાર કંપનીના નામે હોવાને કારણે તેનો જીએસટી ભરવામાં આવ્યો તેની ક્રેડિટ કંપનીને મળવાની છે. આ ઉપરાંત 600 કાર ખરીદી હોવાને કારણે કારની મુળ કિમંતમાં 80 હજારનો ઘટાડો થયો પણ તેનો લાભ કર્મચારીને આપવામાં આવ્યો નથી.

કાર પાંચ વર્ષ સુધી કંપનીના નામે હોવાને કારણે કંપની દ્વારા ઈન્કમટેક્સમાં ઘસારાનો પણ લાભ લેવામાં આવશે. આમ કર્મચારીના જ પૈસા હોવા છતાં સવજીભાઈ ધોળકિયા ખૈરાત કરી રહ્યા હોય તેવુ ચિત્ર ઉભુ કરવામાં સફળ રહ્યા છે. કર્મચારી તો ઠીક પણ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ સવજીભાઈ કેવો ઉપયોગ કરી ગયા તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. આ અંગે જ્યારે મેરાન્યૂઝ દ્વારા સવજીભાઈ ધોળકિયાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે પહેલા તો તેઓ પ્રશ્ન સાંભળી નારાજ થઈ ગયા હતા. તેમનો દાવો હતો કે જ્યારે વિશ્વ આખુ તેમના વખાણ કરી રહ્યુ છે ત્યારે આ પ્રકારની વાત અમારે કરવી જોઈએ નહીં. જો કે બાદમાં તેમણે દાવો કર્યો હતો કે કારની તમામ રકમ તેવો જ ચુકવવાના છે.

સવજીભાઈ ધોળકિયા ભલે દાવો કરતા હોય પણ વાસ્તવિકતા જુદી છે. અત્રે ઉલ્લેખનિય છે કે સવજીભાઈ ધોળકિયા કર્મચારીઓ માટે મહાન વ્યક્તિ હોવાનો દાવો કરતા હોય પણ વર્ષ 2017માં કર્મચારીનું પ્રોવીડંડ ફંડ (પીએફ) કાપ્યા પછી સરકારમાં જમા નહીં કરાવવાના આરોપસર તેમની કંપની મસમોટો દંડ પણ થયો હતો.

આ ન્યૂઝ અંગ્રેજીમા વાંચવા અહીં ક્લિક કરો.