મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ  સુરતમાં ગુરુવારે સવારથી ધોધમાર વરસાદ વરસતા બે કલાકમાં બે ઇંચ પડ્યો હતો. તો ચોવીસ કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. ગરનાળામાં પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહારને તેમજ જન જીવનને અસર વર્તાઈ હતી. દરમિયાન કલેક્ટરે શાળાઓમાં રજા જાહેર કરી હતી. હજુ પણ વરસાદ વરસવાનું ચાલુ જ છે.

હવામાન વિભાગની આગાહીના પગલે સુરતમાં મોડી રાત્રિથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. રાત્રિ દરમિયાન બે ઈંચ વરસાદના થોડા વિરામ બાદ ગુરુવારે સવારે ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેમાં બે કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે ગરનાળાઓમાં કમરસમા પાણી ભરાઈ જતા બંધ કરવાની ફરજ પડી છે. અને સુરતના કલેક્ટર દ્વારા શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જ્યારે ખાનગી શાળાઓને પણ રજા રાખવા સૂચન કરવામાં આવ્યું છે.

સુરતમાં છેલ્લા બે દિવસથી ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. દરમિયાન મોડી રાત્રિથી સવાર સુધીમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. અને સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી સવારથી બે ઈંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે ગરનાળાઓમાં કમરસમા પાણી ભરાઈ જતા બંધ કરવાની ફરજ પડી છે. વરાછા વિસ્તારમાં આવેલા બરોડા પ્રિસ્ટેજમાં આવેલી દુકાનોમાં પાણી ભરાઈ જતા દુકાનદારોને મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો છે.

ઉકાઇ ડેમના ઉપરવાસમાં ધીમીધારે વરસાદ ચાલુ છે. જેથી પાણીની આવક થોડી શરૂ થઇ છે. મંગળવારે રાતે 8 કલાકે ઉકાઇ ડેમની સપાટી 286.28 ફૂટ નોંધાઇ હતી. 5112 ક્યુસેક પાણીની આવક સામે 600 ક્યુસેક જાવક ચાલુ હતી.

સુરતના વરસાદના આંકડા (આજે સવારે 6થી 10 વાગ્યા સુધીના આંકડા)

સેન્ટ્રલ- 50 મીમી

વરાછા- 21 મીમી

રાંદેર- 25 મીમી

કતારગામ- 38 મીમી

ઉધના- 53 મીમી

લિંબાયત- 44 મીમી

અઠવા- 55 મીમી

ખાડીની સ્થિતિ

 કાંકરાખાડી    5 મીટર

 ભેદવાડ    5.50 મીટર

 મીઠીખાડી    6.40 મીટર

 ભાઠેના    5.30 મીટર

 સીમાડા    1.20 મીટર