મેરાન્યૂઝ નેટવર્ક, સુરત:  ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છના અબડાસાના ભૂતપૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી સામે બળાત્કારનો ગુનો નોંધાવનારી સુરતની યુવતીએ કેસને મજબૂત બનાવવા માટે કોર્ટ સમક્ષ નિવેદન આપવાની તૈયારી દર્શાવી છે. પરિણામે પોલીસે આ મુદ્દે કોર્ટની મંજૂરી માગી છે. મંજૂરી મળ્યા બાદ પીડિતાનું સીઆરપીસીની કલમ 164 મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવાશે.

સુરતના સરથાણા વિસ્તારમાં રહેતી 21 વર્ષીય અપરિણીત યુવતીએ ભાજપના આગેવાન જયંતી પરસોતમ ભાનુશાળી વિરુદ્ધ બે દિવસ પૂર્વે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં દુષ્કર્મ, અપહરણ, શારીરિક અડપલાં, છેતરપિંડી સહિતની ઘટનાને આવરી લેવામાં આવી છે.

દરમિયાન પોલીસે તપાસ દરમિયાન પીડિતાના ઘરનું પંચનામુ કર્યું હતું. લગભગ ત્રણ કલાક જેટલો સમય આ પંચનામુ કરવામાં પસાર થયો હતો. તો જયંતી ભાનુશાળીના માણસો પીડિતાને જે પેનડ્રાઇવ આપી ગયા તે પોલીસે સીલ કરી છે. જે પરિક્ષણ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવશે.

તો બીજી બાજુ કેસ મજબૂત કરવા માટે પીડિતાએ પોલીસ સમક્ષ એવી ઇચ્છા વ્યક્ત કરી કે તે કોર્ટ સમક્ષ નિવેદન આપવા તૈયાર છે. સીઆરપીસીની કલમ 164 મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવામાં આવે છે. જેનું કાયદાકીય મૂલ્ય ઘણું હોય છે. પોલીસ સમક્ષના નિવેદનનું કાયદાકીય મૂલ્ય ઝીરો છે. તેવા સંજોગોમાં આ પીડિતાએ કોર્ટ સમક્ષ નિવેદન આપવાની તૈયારી દર્શાવતા જયંતી ભાનુશાળી સામેનો કેસ મજબૂત પુરાવાર થાય તો ના નહીં.

નાયબ પોલીસ કમિશનર ડો. લીના પાટિલે કહ્યું હતું કે ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું છે કે અમદાવાદની હોટલ ઉમેદમાં તેમની સાથે જયંતી ભાનુશાળીએ દુષ્કર્મ આચર્યું હતું. આ વાતને કેન્દ્રમાં રાખી પોલીસની એક ટીમ બે ત્રણ દિવસમાં હોટલ ઉમેદમાં તપાસ કરવા જશે. આ હોટલના સીસી કેમેરાની તપાસ કરશે. તેમજ ત્યાં પીડિતાને અન્ય મહિલાનું નામ અને આ પીડિતાના ફોટા સાથેનું એક આધાર કાર્ડ આપ્યું હતું તેના નામે કોઈ રેકોર્ડ હોટલમાં છે કે કેમ? તેની પણ તપાસ થશે. હાલ પીડિતાની તબિયત નાદુરસ્ત હોવાથી તપાસ માટે બહાર જઇ શકાય તેમ નથી. જેથી તબિયત સારી થયા બાદ બે-ત્રણ દિવસમાં પોલીસની ટીમ અમદાવાદ જશે.

પીડિતાની ફરિયાદ મુજબ તેણે કોલેજમાં એક વર્ષ અભ્યાસ કર્યો તે સમયમાં તેની એક સહેલીએ જયંતી ભાનુશાળી આ રીતે એડમિશનમાં મદદરૂપ બને છે તેમ કહ્યું હતું અને એ રીતે આ પીડિતા જયંતી ભાનુશાળીના સંપર્કમાં આવી હતી. જેથી પોલીસ આ યુવતીને શોધી રહી છે. બે દિવસમાં તો પોલીસને તેની ભાળ મળી નથી. એ મળે ત્યારે તેમનું પણ નિવેદન લેવામાં આવશે.

જયંતી ભાનુશાળીની કામલીલાનો એક વીડિયો શનિવારે વાયરલ થયો હતો. જેમાં જયંતી ભાનુશાળી એક યુવતી સાથે અંગત પળો માણતા જોવા મળે છે. આ યુવતી સુરતની પીડિતા જ છે કે અન્ય કોઈ? એ સ્પષ્ટ થતું નથી.