મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાત પોલીસે સુરતના પાંડેસરા વિસ્તારમાં અજાણી બાળકીના બળાત્કાર અને હત્યાના ગુનાને ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. આ મૃત્યુ પામનાર બાળકીની માતા પણ ગુમ થઇ હોવા સાથે તેની પણ હત્યા થઇ હોવાની શંકા રાખી પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, આરોપીઓને યોગ્ય નશ્યત મળે અને ઝડપી કેસ ચાલે તે માટે રાજ્ય સરકાર સક્રિય પગલાં લઇ ફરાર આરોપીઓને પણ ટુંક સમયમાં પકડી લેશે.આ કેસ માટે પકડાયેલ ગુનેગારોને કડકમાં કડક સજા મળે તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની કાર્યવાહી કરવામાં આવશે તથા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની પણ નિમણુક કરવામાં આવશે.
 
ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, તા. ૬/૪/૨૦૧૮ના રોજ સવારે ૬:૪૫ કલાકે મોર્નીંગ વોકમાં નીકળેલા બે બહેનોએ એક અજાણી છોકરીની લાશ સાંઇ ફકીર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે જોઇ હતી. તેમણે જ પાંડેસરા પોલીસ સ્ટેશનને આ અંગેની જાણ કરી હતી. તત્કાળ પાંડેસરા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર વી.પી. ગોલ અને પોલીસોએ અજાણી લાશના મૃત્યુનું કારણ શોધવા પોસ્ટમોર્ટમ પ્રક્રિયા હાથ ધરી હતી. તે દિવસે સાંજે જ પોલીસે ખૂન અને બળાત્કાર તથા પોક્સો હેઠળ ફરીયાદ દાખલ કરીને તપાસ ચાલુ કરી દીધી હતી.અજાણી બાળકીના વાલી વારસને શોધવા સુરત પોલીસે સોશ્યલ મીડીયા, પ્રિન્ટ મીડીયા અને ઇલેક્ટ્રોનિક મીડીયાની મદદ લઇને વ્યાપક પ્રયત્નો કર્યા હતા એટલું જ નહિ પોસ્ટરો છપાવીને ઓળખ મેળવવા પરિશ્રમ કર્યો હતો. ગુજરાત પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝાએ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચની ટીમને પણ સુરત શહેર પોલીસની મદદમાં મોકલી હતી. પોલીસ દ્વારા તાત્કાલિક સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરાવવાની કામગીરી સઘન પણે ચાલુ કરવામાં આવી હતી.

આ તપાસ દરમ્યાન અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ દ્વારા એક કાળા રંગની સેવરોલેટ સ્પાર્ક ગાડી શંકાશીલ હાલતમાં શોધી કાઢવામાં આવી હતી.આ સ્પાર્ક ગાડી અંગે ઉંડાણપૂર્વકની તપાસના અંતે ગાડીના માલિક રામનરેશને પણ શોધી કાઢવામાં આવ્યો છે.જેમાં ગાડીનો ઉપયોગ કરનાર હર્ષસાંઇ રામરાજ ગુર્જરનું નામ પ્રકાશમાં આવ્યું છે.આ હર્ષસાંઇ ગુર્જર તા. ૧૬/૪/૨૦૧૮ના રોજ પોતાના પરિવાર સાથે સુરતથી પોતાનો સામાન ભરી પોતાના વતનના ગામ કુનકુરા ખૂર્દ ( તા. ગંગાપુર, જિ. સવાઇ માધુપુર, રાજસ્થાન ) નાસી ગયો હોવાનું શોધી કાઢવામાં આવ્યું હતું. આ આરોપીનો કબ્જો લેવા માટે અમદાવાદ સીટી ક્રાઇમ બ્રાંચ દ્વારા પોલીસની ટીમ રાજસ્થાન ખાતે પહોંચી ગઇ છે.આ આરોપીને લાવ્યા બાદ ગુનાનો હેતુ, ગુનાનો ચોક્કસ સમય,સ્થળ તથા અન્ય બાબતો શોધી કાઢવામાં આવશે.

આ સમગ્ર તપાસ દરમ્યાન ટેકનોલોજી અને સી.સી.ટી.વી.નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડી.જી.પી. શિવાનંદ ઝાના અંગત માર્ગદર્શન હેઠળ સુરત પોલીસ કમિશ્નર સતિષ શર્મા, અમદાવાદ સીટી ક્રાઇમ બ્રાંચના જે.સી.પી. જે. કે. ભટ્ટ, ડી.સી.પી. દિપન ભદ્રન,એડીશનલ ડી.સી.પી. રાજદીપસિંહ ઝાલા તેમજ સુરત શહેરના ડી.સી.પી., એ.સી.પી. અને મોટી સંખ્યામાં પોલીસ ઇન્સ્પેક્ટર સાથે ૪૦૦ જેટલા પોલીસે રાત-દિવસ મહેનત કરી સફળતા મેળવી છે.આ તપાસ દરમ્યાન સફળ કામગીરી કરનાર અધિકારીશ્રીઓ તથા પોલીસના માણસોને યોગ્ય પુરસ્કાર પણ આપવામાં આવશે.