મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ આખરે બાળકી પર સામૂહિક દુષ્કર્મ આચરી તેની હત્યા કરવાના ગુનામાં આડા સંબંધોનો કરુણ અંજામ આવ્યો હોવાનું સપાટી પર આવી ચૂક્યું છે. ત્યારે બન્યું એવું હતું કે પુત્રીની માતાને કામરેજથી કારમાં બેસાડી તેનું કારમાં જ ગળું દબાવી દેવાયું હતું. કારમાં જ હત્યા કર્યા બાદ હત્યારો 43 કિલોમીટર હાઇ-વે પર ફર્યો હતો. લાશનો નિકાલ કરવાની કોઈ જગ્યા ન મળતા આખરે જીઆવ ગામની સરકારી જમીનમાં ઘાંસ ઊગેલું હતું ત્યાં લાશ ફેંકી દીધી હતી. જે લાશ પાંડેસરા પોલીસને 9મી એપ્રિલે મળી હતી.

માતા-પુત્રીની નિર્દયતાપૂર્વક હત્યા કરનારો યુવાન હાલ પોલીસના કબજામાં છે ત્યારે એક ચોંકાવનારી માહિતી આધારભૂત સૂત્રોમાંથી સાંપડી છે કે ગુનાનો પ્રારંભ કામરેજથી થયો હતો. હર્ષ ગુર્જરે કામરેજની માનસરોવર બિલ્ડિંગમાંથી વેગનઆર કારમાં મહિલા, તેની પુત્રી સાથે નીકળ્યો હતો. જે કાર તેનો મિત્ર કુલદીપ ચલાવતો હતો. કામરેજથી જ મહિલાને મારવાનું શરૂ કર્યું હતું. રસ્તામાં જ તેનું ગળું દબાવી હર્ષે મહિલાની હત્યા કરી હતી. ત્યાર બાદ હાઇ-વે પર લાશનો નિકાલ કરવા રઝળપાટ કરી કોઈ જગ્યાએ અનુકૂળતા ન આવતા આખરે પાંડેસરા વિસ્તારમાં ફેંકી જતા રહ્યા હતા.

સૂત્રોમાંથી સાંપડતી માહિતી મુજબ વેગન આર કારમાં હર્ષ અને તેનો મિત્ર કુલદીપ કામરેજ પહોંચ્યા હતા. જ્યાં આ મહિલા પોતાની પુત્રી સાથે રહેતી હતી. ત્યાંથી મકાન બદલવું છે, સારી જગ્યાએ રહેવા જવાનું છે તેમ કહી મા-દીકરીને કારમાં બેસાડ્યા હતા. કારમાં બાળકી આગળની સીટ પર બેઠી હતી. કુલદીપ કાર ચલાવતો હતો અને પાછળની સીટ પર હર્ષ અને મહિલા બેઠા હતા. આ મહિલા સાથે અનૈતિક સંબંધો ધરાવતા હર્ષને અને આ મહિલાને સાથે રહેવાના મુદ્દે ઝઘડો ચાલતો હતો. આ મહિલા હર્ષની સાથે રહેવાની જીદ કરતી હતી. હર્ષ તેને સાથે રાખી શકે તેમ ન હતો. જેથી હર્ષે નક્કી જ કર્યું હતું કે આ મહિલાને મારી નાખ્યા સિવાય છૂટકો નથી. જેથી કામરેજથી જ હર્ષે મહિલાને માર મારવાનું શરૂ કર્યું હતું રસ્તા વચ્ચે કારમાં જ તેનું ગળું દબાવી મારી નાખી હતી. આ વેગન આર કાર હર્ષના મોટા ભાઈની માલિકીની હતી. એ કાર પણ પોલીસે કબજે કરી છે. આમ, માતા અને પુત્રીની લાશનો નિકાલ કરવામાં અલગ અલગ કારનો ઉપયોગ હર્ષે કર્યો હતો.

હર્ષે જ્યારે કારમાં જ મહિલાની હત્યા કરી ત્યારે તેની પુત્રી પણ કારમાં જ હતી. જેથી તેને ખ્યાલ આવી ગયો કે તેની માતાની હત્યા હર્ષે કરી છે. આ વાત બાળકીએ એકાદ બે વ્યક્તિને કરી પણ હતી. જેની જાણ હર્ષને થઈ એટલે તેણે વિચાર્યું કે બાળકી મોઢું ખોલવા માંડી છે તે કારણે બાળકીને તેણે કાયમ માટે બોલતી બંધ કરી દીધી હતી.