મેરાન્યૂઝ.સુરતઃ સુરતના ચોકબજાર વિસ્તારમાં ફરજ બજાવતા સુરત પોલીસની  ટ્રાફિક શાખાના એક આસીસ્ટન્ટ સબઈન્સપેકટરને ટ્રાફિકના કામગીરી દરમિયાન કોઈ વાહન ચાલક સાથે માથાકુટ થઈ હતી, તે વાહન ચાલક મુસ્લિમ હતો, અને દાઢી રાખી હતી, આ વાહન ચાલક અને પોલીસ વચ્ચે રકઝક ચાલી રહી હતી ત્યારે  સ્થાનિક લોકો પણ એકત્રીત થઈ ગયા હતા, દરમિયાન આ પોલીસ અધિકારીએ ગુસ્સામાં આ મુસ્લિમને દાઢીવાળો આંતકવાદી કહેતા વાત વણસી હતી.

એકત્રીત સ્થાનિક મુસ્લિમોએ પોલીસ સામે નારાજગી વ્યકત કરી, માફી માંગવાનો આગ્રહ રાખ્યો હતો, તે દરમિયાન ટોળામાં રહેલા તોફાનીઓએ પોલીસને ધક્કે ચઢાવી હતી અને તેની ટોપી પણ ખેંચી લીધી હતી, આ ઘટનાનો વિડીયો વાયરલ પણ થયો હતો, જો કે આ વિડીયોનો અલગ અલગ પ્રકારે કોમેન્ટ સાથે ઉપયોગ થઈ રહ્યો છે જેમાં જો કોંગ્રેસ સરકાર આવશે અને ભાજપ હારશે તો આવુ ઠેર ઠેર થશે તેવી કોમેન્ટ પણ વિડીયો વાયરલ કરનાર કરી રહ્યા છે.

ચુંટણી સામે આવી રહી છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ હવે લોકો મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી વાયરલ કરતા રહેશે, અને પોતાના અર્થધટનો કરતા રહેશે સુરત ચોક બજારની આ ઘટના કયારેની છે તે સ્પષ્ટ નથી.