મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ શહેરના અડાજણ વિસ્તારમાં રહેતી એક યુવતીએ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી સામે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આ પોલીસ  કર્મચારીએ બળજબરીથી મોઢું પકડી ધક્કો માર્યો હોવા ઉપરાંત પેન્ટ ઉતારવાનો પ્રયત્ન પણ કર્યો હોવાનો ઉલ્લેખ છે.

આ યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા. 5-5-2018ના રોજ રાત્રે 11 વાગ્યે તેમના ભાઈ સાથે અજય નામનો પોલીસવાળો ઘરે આવ્યો હતો. જેણે બળજબરીથી મોઢું પકડી પછાડી દીધી હતી અને પેન્ટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. એ ઉપરાંત જતા જતા ધમકી પણ આપતો ગયો હતો કે પોલીસમાં ફરિયાદ નોંધાવવાની હિંમત કરી છે તો તારા ભાઈ અને પિતાને બરાબરના ફસાવી દેતા મને આવડે છે. પોલીસ મારું કાંઈ બગાડી શકે તેમ નથી.

બનાવના 11 દિવસ બાદ એકાએક આ યુવતીને શું થયું કે તેણે અજય નામના પોલીસવાળા સામે અડાજણ પોલીસ મથકમાં છેડતીનો ગુનો નોંધાવ્યો હતો. સૂત્રોમાંથી સાંપડતી માહિતી મુજબ જે જગ્યાએ ઘટના બની હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે તે જગ્યાએથી અગાઉ પોલીસે દારૂ કબજે કર્યો હતો. આ વાતને ધ્યાને લઈ પોલીસને ખોટી રીતે ફસાવી દેવા માટે ગુનો નોંધાયો છે. જોકે, સત્ય તો પોલીસની તપાસના અંતે જ સામે આવશે. હાલ અડાજણના પોલીસ ઇન્સ્પેક્ટર તપાસ કરી રહ્યા છે.