મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ પુત્ર પ્રાપ્તિની ઝંખના માણસને કઈ હદ સુધી દોરી જાય છે તેનો આંખ ઉઘાડનારો કિસ્સો સુરતમાં પ્રકાશમાં આવ્યો છે. વેસુમાં રહેતા એક બિલ્ડરના પરિવારજનોને પુત્ર પ્રાપ્તિની ઝંખના હતી. એવામાં પુત્રવધૂએ પુત્રીને જન્મ આપ્યો. પતિ સહિત સાસરિયાઓએ તેને પિતાના ઘરે કાઢી મૂકી અને પાછું આવવું હોય તો રૂ. 15 લાખ લઈને આવજે તેમ કહ્યું હતું. પરિણીતા દોઢ માસની અને ત્રણ વર્ષની પુત્રીને લઈ પતિ ગૃહે પરત ફરી તો પતિએ કહ્યું જો તું હવે તારા પિતાના ઘરે નહીં જાય તો હું આત્મમહત્યા કરી લઇશ. આટલી વાત કરી તેણે દવા પીવાનું નાટક પણ કર્યું હતું. ત્યાર બાદ પોલીસને બોલાવી પોતાની પત્ની પાગલ છે તેમ કહી પોલીસને સોંપી દીધી હતી. ઉમરા પોલીસ મથક પર પહોંચેલી આ પરિણીતાની સાથે એક દોઢ માસની અને એક ત્રણ વર્ષની પુત્રી પણ હતી. લગભગ 12 કલાક સુધી પોલીસ મથક પર મહિલા ભૂખી અને તરસી બેસી રહેલી આ પરિણીતાની બાદમાં પોલીસે ફરિયાદ નોંધી હતી. પોલીસે ફરિયાદ લેવામાં લગાવેલો આટલો સમય મહિલા માટે ઘણો કષ્ટદાયી હતો.

મુંબઈમાં રહેતા નવીન અનાજી પુરોહિતની પુત્રી માયાના લગ્ન 2010ના વર્ષમાં સુરતના વેસુમાં સોહમ હાઇટ્સમાં રહેતા બિલ્ડર ગૌત્તમ કરશન પુરોહિત સાથે થયા હતા. લગ્ન બાદ માયાએ એક પુત્ર સિદ્ધાર્થને જન્મ આપ્યો હતો પરંતુ 2017ના વર્ષમાં સિદ્ધાર્થનું મૃત્યુ થયું હતું. તે પછી સાસરિયાએ પુત્રની પ્રાપ્તિ ઇચ્છતા હતા. તેવામાં માયાએ પુત્રીને જન્મ આપ્યો. એ પછી પણ બીજી વખત પુત્રી જ જન્મી. જેના કારણે સાસરિયાઓનો ત્રાસ અસહ્ય થઈ પડ્યો. પતિ સહિત સાસરિયાઓએ પુત્ર પ્રાપ્તિ માટે લિંગ પરિક્ષણ કરાવવા માટે પણ ભારે ધમપછાડા કર્યા હતા. આખરે શનિવારે બપોરે બાર વાગ્યે ગૌત્તમે પોલીસને બોલાવી માયા અને તેની દોઢ મહિનાની અને ત્રણ વર્ષની બે પુત્રી સાથે ઉમરા પોલીસને સોંપી દીધી હતી. પોલીસને ગૌત્તમે એવું કહ્યું હતું કે મારી પત્ની પાગલ છે.

પોલીસ મથકે બે માસૂમ પુત્રી સાથે પહોંચેલી માતાની ફરિયાદ નોંધવામાં પોલીસે ભારે નિષ્કાળજી દાખવી હતી. 12 કલાક સુધી ઉમરા પોલીસ મથક પર ભૂખી તરસી બેસી રહેલી માયાની બાર કલાક બાદ પતિ ગૌત્તમ ઉપરાંત સસરા કરશન, સાસુ જમુના, નણંદ ભક્તિ ઉત્તમ પુરોહિત (રહેઃ ગાંધીનગર) સામે ગુનો નોંધાયો હતો. બે બાળકીઓ સાથે પોલીસ મથકમાં આટલા કલાકો કાઢનારી મહિલા પર પતિ તો છોડો પોલીસને પણ દયા દાખવવાનું સુઝ્યું નહીં. સંવેદનશીલતાના અભાવે મહિલાને પોલીસ મથકે કલાકો વિતાવવા પડ્યા.