મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો એક વિદ્યાર્થી ખરેખર અભ્યાસમાં ધ્યાન આપવાના બદલે ગુગલ એકાઉન્ટ હેક કરવાનું ઓન લાઇન શિખી ગયો. પછી તેણે એક પછી એક એકાઉન્ટ હેક કરવાનું શરૂ કર્યું. છેલ્લા 3 મહિનામાં આ રીતે 15 ગુગલ એકાઉન્ટ હેક કરી ચૂકેલા યુવાનને ક્રાઇમ બ્રાંચના સાઇબર સેલની ટીમે પકડી પાડ્યો છે. આ આરોપીએ સુરતની એક યુ ટ્યૂબ ચેનલનું ગુગલ એકાઉન્ટ હેક કરી રૂ. 1.42 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ અઠવા લાઇન્સ પોલીસ મથકમાં નોંધાઈ હતી. જેમાં તેની ધરપકડ કરવામાં આવી છે.

યુ ટ્યૂબ ચેનલ અને પ્લે સ્ટોરનું ઓન લાઇન વર્ક કરનારા અબરાર સાબેર શેખે અઠવા લાઇન્સ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. જેમાં તેનું ગુગલ એકાઉન્ટ હેક કરી હેકરે રૂ. 1,42,414ની છેતરપિંડી કરી હોવાનું જણાવ્યું હતું. આ ખાતું હેક કરનારા ભૌદીપગિરિ દિલીપગિરિ ગૌસ્વામી (ઉ.વ.20, રહે ગુણાતીતધામ સોસાયટી,  અટલાદરા, વડોદરા, મૂળ રહે ભેટાવડા ગામ, તા. ધોળકા, જિ. અમદાવાદ)ને સાઇબર સેલની ટીમના પોસઈ જે.બી. આહીર, પૃથ્વીરાજસિંહ અને વનરાજસિંહે ટેક્નિકલ તપાસના અંતે પકડી પાડ્યો હતો.

પોસઈ આહીરે કહ્યું કે મિકેનિકલ એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો ભૌદીપગિરિ ગૌસ્વામીએ છેલ્લા 3 મહિનામાં આ રીતે કુલ 15 ગુગલ એકાઉન્ટ હેક કર્યાંની કબૂલાત કરી છે. હાલ એ મુદ્દે તપાસ ચાલી રહી છે.

આ રીતે કરતો હતો છેતરપિંડી

પોલીસ સમક્ષ આ યુવાને કરેલી કબૂલાત મુજબ ઓન લાઈન હેકિંગનો કોર્ષ આવે છે તેમાંથી તેણે એકાઉન્ટ હેક કરવાની જાણકારી મેળવી લીધી હતી. ત્યાર પછી તે એક લિંક તૈયાર કરી જે તે મોબાઇલ ફોનમાં મોકલી આપતો હતો. એ લિંક ડુપ્લિકેટ છે તેવી લાગે જ નહીં. જેથી તેમાં કોઇ પણ વ્યક્તિ પોતાનાં એકાઉન્ટની વિગત મૂકે તે આ યુવાનને મળી જતી હતી. જેના આધારે તે ગુગલમાં જે તે વ્યક્તિના બેંક એકાઉન્ટમાં નાણાં જમા થતા હોય તે જગ્યાએ પોતાના બેંક એકાઉન્ટ નંબર લખી ગુગલમાં મોકલી આપતો. પરિણામે એ વ્યક્તિના ખાતામાં નાણાં જમા થવાની બદલે આ યુવાનના ખાતામાં જમા થવા લાગતા હતા.