મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતના ડિંડોલી વિસ્તારમાં કરુણ અને કમકમાટીભરી ઘટના સોમવારે બની હતી. જેમાં બે બાળકો રમતા રમતા કારમાં બેસી ગયાં. દરવાજા લોક થઈ જતાં બન્ને કારમાં ફસાઈ ગયા અને મોતને ભેટ્યા. આ ઘટનામાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. જેમાં બન્નેનાં ગુંગળામણ, ઊળટી થવાથી અને શ્વાસનળીમાં ખોરાક ફસાઈ જવાથી મૃત્યુ થયું હોવાનું જણાવ્યું છે.

ડિંડોલીની માનસી સોસાયટીમાં કારમાં ફસાઈ જવાના કારણે બે બાળકોનાં મોત થયાં એ ઘટનામાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રાથમિક તબક્કે આવી ગયો છે. જેમાં બન્ને બાળકની શ્વાસનળીમાં ખોરાક ફસાઈ જવાના કારણે બન્નેનાં મોત થયાંનું જણાવ્યું છે. આમ છતાં પોલીસે બન્ને બાળકના ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યાં છે. તેનો રિપોર્ટ આવ્યા પછી સ્થિતિ સ્પષ્ટ થશે. એક તબક્કે બન્ને બાળકના પરિવારજનોએ હત્યાની શંકા દર્શાવાઈ મૃતદેહ સ્વિકારવાનો નનૈયો ભણ્યો હતો. પોલીસની સમજાવટના અંતે બન્નેના પરિવારજનોએ મૃતદેહનો સ્વિકાર કર્યો હતો.

ડિંડોલીની માનસી રેસિડેન્સીમાં રહેતા સાડા ચાર વર્ષીય વિરાજ નિખિલભાઈ જરીવાલા અને સાડા પાંચ વર્ષીય હેલિશ મહેશભાઈ રૂપાવાલા સોમવારે બપોરે સાડા બાર વાગ્યે ઘરેથી સેવ મમરા લેવા ગયા બાદ ગુમ થઈ ગયા હતા. જેની શોધખોળ આદરી, અઢી -ત્રણ કલાક સુધી બન્નેને શોધ્યા પણ ક્યાંયથી ભાળ ન મળતા આખરે બન્નેના પરિવારજનોએ ડિંડોલી પોલીસને જાણ કરી હતી.

દરમિયાન સાંજે સાડા છ વાગ્યે એવો ખ્યાલ આવ્યો કે માનસી રેસિડેન્સીમાં જ પાર્ક કરેલી એક કારમાં બે બાળકો હોઈ શકે છે. કારના દરવાજના કાચ તોડી જોયું તો તેમાં બન્નેનાં મૃતદેહ પડ્યા હતા. જેથી ડિંડોલી પોલીસે બન્નેનાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. 

આ બાબતે નાયબ પોલીસ કમિશનર ઝોન-1 આર.પી. બારોટનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. જેમાં બન્ને બાળકોનાં ગુંગળામણ, ઊલટી અને શ્વાસનળીમાં ખોરાક ફસાઈ જવાના કારણે મોત થયાનું જણાવ્યું છે. આમ છતાં હજુ બન્નેનાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યા તેનો રિપોર્ટ આવવાનો બાકી છે. તે રિપોર્ટ આવ્યા બાદ સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.

બીજી બાજુ બન્યું એવું કે બન્ને બાળકોના પરિવારજનોએ બાળકનું અપહરણ કરી હત્યા કરવામાં આવી હોવાની શંકા દર્શાવી મૃતદેહ સ્વિકારવાનો ઇનકાર કર્યો હતો. સ્મીમેર હોસ્પિટલ ખાતે આશરે ત્રીસેક મિનિટ સુધી પોલીસ અને બાળકોના પરિવારજનો વચ્ચે રકઝક ચાલી હતી. આખરે પોલીસે તટસ્થ તપાસ કરી બનાવના મૂળ સુધી પહોંચવાની ખાતરી આપતા બન્ને બાળકોના પરિવારજનોએ મૃતદેહ સ્વિકાર્યાં હતા.

બન્ને બાળકોનાં પોસ્ટટમોર્ટમ કરનારા ડો. ઇલિયાસ શેખનો આ બાબતે સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે શ્વાસનળીમાંથી ખોરાક મળી આવ્યો છે. એટલે તેને કારણે શ્વાસ રુંધાવાથી મોત થયું હોય તેવું પ્રાથમિક દૃષ્ટિએ લાગે છે. વીસેરા લીધાં છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ સ્થિતિ સ્પષ્ટ થશે. ગરમીના કારણે ચામડી પર ફોલ્લા પડી ગયા છે. 40થી 50 ડિગ્રી તાપમાનમાં બાળકની ચામડીમાં ફોલ્લા પડી શકે.