દેવલ જાદવ (મેરાન્યૂઝ.સુરત): ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા ટીઆરબી જવાનો અવારનવાર ચર્ચાઓમાં રહે છે. તેમના અધિકારો અને કામના ક્ષેત્રને લઈને હંમેશા વિવાદ થતો રહે છે. શહેરોમાં ઘણી જગ્યાઓએ ટીઆરબી જવાનો વાહનો રોકવા અને દંડ વસુલવાનું કામ કરતા હોય છે જો કે ટીઆરબી જવાનનું મુખ્ય કામ ટ્રાફિક પીલીસને મદદ કરવાનું અને ટ્રાફિક નિયમનનું ધ્યાન રાખવાનું છે. તેમ છતાં કેટલાક ટ્રાફિક પોલીસના અધિકારીઓ પોતાના ઘરે વ્યક્તિગત કામ માટે ટીઆરબી જવાનો પાસે કામ કરાવતા હોય તેવો એક ઓડિયો વાયરલ થયો છે.

Advertisement


 

 

 

 

 

ઘણા સમયથી શહેરમાં ટીઆરબી દ્વારા દંડ વસુલવામાં આવવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે સુરત ટ્રાફિક ડીસીપી પ્રશાંત સુંબે દ્વારા એવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે ટીઆરબી જવાનો પાસે માત્રને માત્ર ટ્રાફિક નિયમનની ફરજ લેવા માટે અવાર નવાર લેખિત તથા મૌખિક સૂચનાઓ આપવામાં આવેલી હોવા છતાં ટીઆરબી જવાનો દ્વારા એન્ફોર્સમેન્ટની કામગીરી તેમજ વાહનો રોકતા હોવાનું ધ્યાને આવ્યુ છે. જેથી હવે પછી કોઇ પણ ટીઆરબી જવાનો એન્ફોર્સમેન્ટની કામગીરી અથવા તો વાહન રોકવાની કામગીરી કરી રહ્યા હોવાનું જણાશે તો સંબંધિત સર્કલ/ રીજીયન ઇન્ચાર્જની જવાબદાર ગણી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

જે ડીસીપીએ આવું જાહેરનામું બહાર પાડ્યું હતું તેમના ઘરમાં કામ કરવા માટે ૩ ટીઆરબી જવાનો રાખવામાં આવ્યા છે તેવો એક ઓડિયો વાયરલ થયો છે. જેમાં ટીઆરબી જવાન કોઈ સાથે વાત કરતા જણાવે છે કે ડીસીપી સુંબેના ઘરે તેને કામ માટે રાખવામાં આવ્યો છે. ગાર્ડનનું કામ કરવું, સમાન લાવવો જેવા કામ ડીસીપી આ ટીઆરબી જવાનો પાસે કરાવે છે તેવું ઓડિયોમાં સ્પષ્ટ થઈ રહ્યું છે.

Advertisement


 

 

 

 

 

મળતી જાણકારી મુજબ આ ટીઆરબી જવાનની ફરજ ટ્રાફિક ઝોન ૧, રોકડીયા હનુમાનના એસીપી ઝેડ.એ.શેખના કાર્યાલયમાં બતાવવામાં આવી છે. આ ટીઆરબી જવાનો એક મહિનાથી પોતાની ફરજના સ્થળે ન ગયા હોવા છતાં તેમને પૂરો પગાર ચુકવવામાં આવી રહ્યો છે. આ ઓડિયોમાં એડિશનલ સી.પી. ટ્રાફિક એન્ડ ક્રાઈમના ઘરે પણ આવી રીતે ટીઆરબી જવાનો કામ કરતા હોવાનું ઓડિયો દ્વારા સામે આવ્યું છે.