મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ લગ્નના માત્ર 25 જ દિવસમાં એક આશાભર્યા વોલિબોલના નેશનલ પ્લેયરનું તાવની બિમારીમાં મોતી થતાં આ યુવાનના પરિવારજનોનું આક્રંદ કાળમીંઢ પથ્થરને પણ પીગળાવી દે તેવું હતું. મહાવીર હોસ્પિટલના તબીબોની બેદરકારીના કારણે યુવાન પુત્રનું મોત થયાનો આ યુવાનના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

નેશનલ લેવલે વોલિબોલ રમતા રોમિત જયેશભાઈ બુનકી (ઉ.વ.26, રહેઃ દેસાઈ શેરી, સગરામપુરા)નાં લગ્ન હજુ તો 25  દિવસ પૂર્વે એટલે કે ગત તા. 30મી એપ્રિલના રોજ થયા હતા. નવોઢાના હાથ-પગમાંથી હજુ તો મહેંદીનો રંગ ભૂંસાય એ પૂર્વે તેને વિધવા થવાનો વખત આવ્યો હતો.

રોમિત ગત તા. 17મીએ વોલિબોલ રમવા ગોધરા ગયો હતો. જ્યાં તેને તાવ ચડ્યો. પહેલા તો તેણે ફેમિલી ડોક્ટરની સલાહ લીધી પરંતુ તાવ ઉતર્યો નહીં. પરિણામે તેને બે દિવસ પૂર્વે સુરતમાં રિંગ રોડ પર આવેલી મહાવીર હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયો હતો. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. પરિવારજનોનો આક્ષેપ છે કે રોમિતને ડોક્ટર્સ દ્વારા ઇન્જેક્શન આપ્યાની દસ મિનિટ બાદ જ તેનું મોત થયુ છે અને ડોક્ટર્સની બેદરકારીના કારણે રોમિતનું મૃત્યુ થયું હતું. રોમિતના પરિવારજનોએ તબીબી બેદરકારી સામે કાનૂની જંગ ખેલવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે.