મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ લિંબાયતના શાહપોર વિસ્તારમાં ટેમ્પો પાર્કિંગના પૈસાની અદાવતમાં મંગળવારે રાત્રે માસિયાઈ ભાઈ સહિત ત્રણ જણા ઉપર માથાભારે ટોળકીએ હોકી, લોખંડના સળિયા, ધારિયા સહિત ઘાતક હથિયારો સાથે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં એક યુવકનું ગંભીર ઇજા પહોંચતા મોત થયું હતું. બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે, પરંતુ મૃતક યુવકના પરિવારજનોએ હત્યારાઓની ધરપકડની માંગ સાથે મૃતદેહ લેવાનો ઈનકાર કર્યો છે.

શાહપોરમાં રહેતા અતીક ઉર્ફે અન્ન અબ્દુલ ગફાર પટેલ તેનો માસીનો છોકરો ગુફરાન ચિરાગ મન્સૂરી અને મિત્ર સદામ મંગળવારે રાત્રે ઘર નજીક આવેલી કરિયાણાની દુકાન પાસે ઊભા રહીને વાતચીત કરતા હતા તે વખતે અગાઉ ટેમ્પો પાર્કિંગના પૈસા બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખી અકરમ નથ્થુ શા, મોહસીન નથ્થુ શા, કાદીર ઉર્ફે અલ્લારખા નથ્થુ શા, નાજીમ શા ઉર્ફે દેવીલ. ગફાર શા અને સમીર શા ઉર્ફે ઢમ્મોરે હોકી, લોખંડના સળિયા, ધારિયા સહિતના ઘાતક હથિયારો સાથે ઘસી આવી ત્રણેય જણા ઉપર હુમલો કરી નાસી ગયા હતા. જેમાં ગુફરાનને માથા, છાતી, પેટ સહિતના શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ઉધનાની આઈએનએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં ટૂંકી સારવાર બાદ ગુફરાન મન્સૂરીનું મોત નિપજ્યું હતું.

બીજી બાજુ ગુફરાન મન્સૂરીના પરિવારજનોએ હત્યારાઓની ધરપકડ કરવાની માંગણી સાથે હોસ્પિટલમાંથી તેના મૃતદેહને લેવાનો ઈનકાર કર્યો હતો અને પોલીસની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

ગુફરાનને પહેલાથી જ તેની હત્યાની આશંકા હતી અને આ મામલે હત્યારાઓ સામે અગાઉ લિંબાયત પોલીસમાં તેમજ પોલીસ કમિશનર ઓફીસમાં નામ જોગ ફરિયાદ કરી હતી. હત્યારાએ જાન્યુઆરી મહિનામાં પણ ગુફરાન પર હુમલો કર્યો હતો તે વખતે પણ ગુફરાનને પોલીસ મથકમાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ જામીન પર છૂટ્યા બાદ પણ ધમકી આપી હતી આટલુ ઓછું હોય તેમ હત્યારાઓએ ચાર દિવસ પહેલા અગિયાર તારીખે પણ સોસાયટીમાં ઘાતક હથિયારો સાથે ઘુસી આવી અતીક ઉર્ફે અન્નુ પટેલ તેમજ સોસાયટીના લોકોને ઢોર મારમારી ધમકી આપી ગયા હતા.

આ મામલે આરોપીઓ સામે શાહપોરના અનેક લોકોની લિંબાયત પોલીસમાં ફરિયાદ કરવા ગયા હોવા છતાંયે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો સ્થાનીકોનો આક્ષેપ હતો.