મેરાન્યૂઝ નેટવર્ક, સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાંથી ગત તા. 6-4-18ના રોજ 11 વર્ષીય બાળકીનો મૃતદેહ જીઆવ બુડિયા રોડ પરથી મળ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકી પર દુષ્કર્મ કર્યા બાદ તેનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થતાં પાંડેસરા પોલીસે હત્યા, બળાત્કાર અને પોક્સો મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં આ બાળકીની ઓળખ કરવા માટે પોલીસે ત્રણ રાજ્યોમાંથી ગુમ થયેલી 8,000 બાળકીઓની તસવીર જોઈ હોવાનું જાણવા મળ્યું છે. આમ છતાં આ બાળકીની ઓળખ ન થઈ તે ન જ થઈ.

પોલીસ માટે પડકારરૂપ આ ગુનાની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપી હોવાનું કહી પોલીસ કમિશનર સતીશ શર્માએ ઉમેર્યું કે આ બાળકી સંભવત: ઓરિસા અથવા બંગાળની હોવાની શક્યતાને ધ્યાને લઈ આ બન્ને રાજ્યોમાંથી ગુમ થયેલી બાળકી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

આ બાળકીની ઓળખ થાય તે માટે શહેર પોલીસે 1,200 જેટલાં પોસ્ટર્સ અલગ અલગ જગ્યાએ લગાવ્યાં છે. ટ્રેનમાં, રેલવે સ્ટેશન પર વગેરે જગ્યાએ પોસ્ટર્સ લગાવ્યાં પછી પણ હજુ આ બાળકીની ઓળખ નથી થઈ. પોલીસ કમિશનરે કહ્યું હતુ કે આ ઘટનાને લઈ રાજ્ય સરકાર અને ડીજીપી ચિંતિત છે. દરમિયાન આ મામલે સુરતના એક બિલ્ડરે જાહેરાત કરી છે કે બાળકીની ઓળખ અંગે માહિતી આપનારને પાંચ લાખ રૂપિયાનું ઇનામ આપશે.