મેરાન્યૂઝ નેટવર્ક. સુરતઃ પાછલા વર્ષની સરખામણીએ એડવાન્સ ટેક્સનો ટાર્ગેટ પાર નહીં થતાં આયકર વિભાગના અધિકારીઓએ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં આવેલી મોટી માર્કેટમાં મુલાકાત લેવાનું શરૂ કરી દીધું છે.

સોમવારે અભિષેક અને સુરત ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓ સાથે મિટિંગ કરી સમયસર ટેક્સ ભરી દેવાની ગર્ભિત ચીમકી આપી હતી. જેના બીજા દિવસે પણ આયકર વિભાગના અધિકારીઓએ જીએસટીથી મૂંઝાયેલા વેપારીઓનો સમજાવટ કરતાં મિટિંગ કરી હતી. જેમાં સિલ્કસિટી માર્કેટના વેપારીઓ સાથે મિટિંગ કરી હતી. ટેક્સટાઇલ વેપારીઓએ પાછલા વર્ષના 500 કરોડની સામે ચાલુ વર્ષે 225 કરોડનો ટેક્સ ભર્યો છે. સુરત આવક વેરા વિભાગ ચાલુ નાણાંકીય વર્ષ 2018-19 માટે ફાળવવામાં આવેલા લક્ષ્યાંક સુધી પહોંચવા માટે પ્રયત્ન કરી રહી છે. તેના ભાગરૂપે મંગળવારે બીજા દિવસે પણ આવકવેરા વિભાગ દ્વારા વેપારી સાથે મિટિંગ કરીને તેઓને એડવાન્સ ટેક્ષ ભરવા માટે અપીલ કરી હતી સાથે એ પણ જણાવી દીધું હતું કે જીએસટી વિભાગ પાસે વેપારીઓ શું નફો કરી રહ્યા છે તેની વિગતો પણ મંગાવવામાં આવી છે.