મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ શહેરમાં વેસુની કરોડોની જમીન પચાવી પાડવા માટે કોર્ટમાં ખોટા ડોક્યુમેન્ટ જમા કરાવવાના કેસમાં હાલ લાજપોર જેલમાં રહેલા ઉદ્યોગપતિ વસંત ગજેરાની મુસિબતમાં વધારો થઈ શકે છે કારણ કે તેમણે કોર્ટમાં અને ઇન્કમટેક્સ વિભાગમાં અલગ અલગ બેલેન્સશીટ રજૂ કરી છે. જેના કારણે ઇન્કમટેક્સ વિભાગ પણ તપાસનો પ્રારંભ કરે તેવી શક્યતા છે. આમ વસંત ગજેરાએ બે જગ્યાએ અલગ બેલેન્સશીટ રજૂ કરી સામે ચાલીને આફત નોતરી છે.

વસંત ગજેરાએ વિવાદિત જમીન ફરતે દીવાલ બનાવવાનો ખર્ચ રૂ. 3 લાખ કોર્ટમાં રજૂ કરેલી બેલેન્સશીટમાં બતાવ્યો છે. જ્યારે ઇન્કમટેક્સ વિભાગમાં રજૂ કરેલી બેલેન્સશીટમાં આ ખર્ચ બતાવ્યો નથી. પરિણામે સમસ્યા સર્જાઈ છે.

ઇન્કમ ટેક્સ વિભાગના એક અધિકારીનું કહેવું છે કે જો કોર્ટમાં રજૂ કરેલી બેલેન્સશીટને સાચી માનીએ તો વસંત ગજેરાએ ઇન્કમટેક્સ પાસે રૂ. 3 લાખની આવક છૂપાવી છે અને જો ઇન્કમટેક્સમાં રજૂ કરેલી બેલેન્સશીટ સાચી માનીએ તો કોર્ટને ગેરમાર્ગે દોરવાની વાત છે. આ રીતે વસંત ગજેરા સામે ઇન્કમટેક્સ વિભાગ પણ તપાસ શરૂ કરશે. એક સીએના કહેવા અનુસાર બેલેન્સશીટમાં જો કોઈ વસ્તુ છુપાવવામાં આવે તો વીલ ફુલ ટેક્સ ઇવેઝન હેઠળ કાર્યવાહી થઈ શકે છે.