મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ ચોર્યાસી તાલુકાના પોપડા ગામની જમીન 73AA હોવા છતાં તેનો દસ્તાવેજ કરી લેનારાને ઓલપાડ પ્રાંત અધિકારીએ રૂ. 5.45 કરોડનો દંડ ફટકાર્યો છે. એ સાથે જ દસ્તાવેજ રદ કરી જમીન સરકાર હસ્તક લઈ લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પોપડા ગામે બ્લોક નં. 274ની 12,131 ચોરસ મીટર જમીનના મૂળ માલિકો મંછીબહેન મણીલાલ સહિત કુલ 13 હતા. આ જમીન 73 AAની હોવા છતાં તૈયબ ઇસ્માઇલ કોકાવાલા (રહે: 828, મૂછાળા પોળ, નવાપુરા, સુરત)એ 2005ના વર્ષમાં દસ્તાવેજ કરી લીધો હતો. જેની એન્ટ્રી 2017ના વર્ષમાં કરાવવા ગયા તે વખતે ભાંડો ફૂટ્યો હતો અને આ જમીન 73 AAની હોવાનું મહેસૂલ વિભાગના અધિકારીઓના ધ્યાન પર આવ્યું હતું. એ સાથે શરતભંગ સંદર્ભે નોટિસ ફટકારવામાં આવી હતી.

આ નોટિસની સૂનાવણી દરમિયાન દસ્તાવેજ કરાવી લેનારાએ પોતાની દલીલમાં એવું જણાવ્યું હતું કે જ્યારે તેણે દસ્તાવેજ કરાવ્યો ત્યારે સાત બારમાં 73 એએનો ઉલ્લેખ ન હતો. પાછળથી રેકોર્ડ સુધારાયો અને 73 એએનો ઉમેરો કરવામાં આવ્યો હતો. જેની સામે એવી દલીલ થઈ કે વેચાણ આપનારા અને લેનારા બન્નેએ ઇરાદાપૂર્વક વેચાણ આપનારાની સરનેમ (અટક) દર્શાવી નથી. વેચાણ રાખનારી વ્યક્તિ 73 એએની જમીન હોવા અંગેથી વાકેફ હોવા છતાં ફક્ત કમ્પ્યૂટર રેકર્ડની સાત બારમાં જે તે વખતે 73 એએનો ઉલ્લેખ ન હોવાના કારણે તેનો લાભ લઈ વેચાણ દસ્તાવેજ કર્યો છે.

કાયદાકીય જોગવાઇ મુજબ કલમ73એએની પેટા કલમ 1નો ભંગ થયો છે. જેમાં હાલની બજાર કિંમતની ત્રણ ગણી રકમનો દંડ ફટકારવાની જોગવાઇ છે. પરિણામે ઓલપાડ પ્રાંત અધિકારી આર.સી. પટેલે જમીન મહેસૂલ કાયદાની કલમ 73 એએ(1)ના ભંગ બદલ કલમ 73એએ(4) તળે કોઇ પણ પ્રકારના બોજા રહિત સરકાર હસ્તક દાખલ કરવા તેમજ ગેરકાયદે રજિસ્ટર્ડ દસ્તાવેજ કરાવી લેનારા તૈયબ ઇસ્માઇલ કોકાવાલાને 73એએની પેટા કલમ 7 મુજબ રૂ. 5,45,89,500નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.