મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં પતિને ભર ઉંઘમાં સૂતા મૂકી 74 વર્ષીય પત્નીએ સાતમા માળેથી મોતની છલાંગ મારી મોત મીઠું કરી લીધું હતું. પતિ જ્યારે ઉંઘમાંથી ઊઠ્યા અને જોયું તો તેમની પત્ની હાજર ન હતી. શોધખોળ કરી પણ ક્યાંય ભાળ મળી નહીં. એક કલાકના અંતે પરિવારજનોને મૃતદેહ જોવા મળ્યો હતો.

પાર્લે પોઈન્ટ નજીક એક રેસિડેન્સીના સાતમાં માળેથી વૃદ્ધાએ મોતની છલાંગ લગાવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. જોકે, વૃદ્ધાના આપઘાત પાછળ કોઈ કારણ જાણવા મળ્યું નથી.

પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલી બ્રિજ વાટિકા રેસિડેન્સીમાં મૂળ રાજસ્થાનના સુનિતા પીરામલ અગ્રવાલ (ઉ.વ.74) પરિવાર સાથે રહેતા હતા. પરિવાર ટ્રાન્સપોર્ટ લોજિસ્ટિકના વ્યવસાય સાથે સંકળાયેલો છે. સુનિતાબેન ડાયાબિટીશના દર્દી છે અને ઘણા સમયથી માનસિક તણાવમાં રહેતા હતા. દરમિયાન બુધવારે વહેલી સવારે 4 વાગ્યે સાતમા માળે ઘરમાંથી છલાંગ લગાવી દીધી હતી. જ્યારે બાજુમાં સૂતેલા પતિને પત્ની નજરે ન પડતા શોધખોળ હાથ ધરી હતી.

એક કલાકની શોધખોળ બાદ સુનિતાબેન નીચે મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે, ડાયાબિટીશના કારણે માનસિક તણાવમાં આકરું પગલું ભર્યું હોઈ શકે છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. જોકે, આપઘાત અંગે કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું.