મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ દોઢેક વર્ષ પૂર્વે એક યુવાન કોલગર્લના સંપર્કમાં આવ્યો. તેની સાથે આંખ મળી ગઈ. બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો. આખરે બન્નેએ પતિ-પત્ની તરીકે સાથે રહેવાનું નક્કી કર્યું. એ યુવાને કોલગર્લ સાથે લગ્ન કરી લીધા ત્યાર પછી બન્યું એવું કે આ યુવાનની પહેલી પત્ની અને કોલગર્લમાંથી બનેલી બીજી પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થવા લાગ્યા. જેથી ત્રાસી યુવાને બીજી પત્નીની ગળું દબાવી હત્યા કરી હતી. ત્યાર બાદ તેની લાશના ટુકડા કરી ભાઠેના ખાડીમાં નાંખવા જતો હતો ત્યારે પોલીસના હાથે પકડાઈ ગયો હતો.

પારસી શેરી રાણીતળાવ કાંસકીવાડ ખાતે રહેતા શાહનવાઝ ઉર્ફે શાનુ યુસુફ મિંયાશેખ (ઉ.વ.૩૨) ઘર પાસે પ્રોવિઝન સ્ટોર ચલાવી પરિવારમાં પત્ની અને બે સંતાનનું ગુજરાન ચલાવે છે. શાહનવાઝ મહારાષ્ટ્રના અમરાવતીની જુલેખા ઉર્ફે વર્ષા સૈયદ (ઉ.વ.૩૦) નામની યુવતી સાથે છેલ્લા દોઢ વર્ષથી પરિચયમાં આવ્યો હતો. જુલેખાને પરિવારમાં માતા પિતા કે કોઈ સંબંધી નથી અને ગરીબ પરિવારની હોવાનું કહ્યું હતું. ધીરેધીરે બંને વચ્ચે પ્રેમ સંબંધ થયો હતો અને જુલેખાને પણ ઘરે રહેવા માટે લઈ આવ્યો હતો. તેની સાથે લગ્ન પણ કરી લીધા હતા. દરમિયાન જુલેખા અને શાહનવાઝની પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા તેથી જુલેખા ઘણા સમયથી અલગ રૂમ રાખી સાથે રહેવા માટે જીદ કરતી હતી જેને લઈને બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો. જેમાં શાહનવાઝે આવેશમાં આવી રવિવારે રાત્રે જુલેખાની તેના ઘરે ગળુ દબાવી હત્યા કરી હતી, ત્યારબાદ લાશને સગેવગે કરવા માટે ઠંડા કલેજે તેના શરીરનાં હાથ, પગ, માથુ સહિત અંગોના ટુકડા કર્યા હતા. આ ટુકડા કોથળામાં ભરી તે સોમવારે સાંજે ભાઠેના વિસ્તારની ખાડીમાં નાખવા ગયો હતો. બરોબર એ જ વખતે ત્યાં હાજર  ઉધના પોલીસ મથકના કોન્સ્ટેબલ જયપ્રકાશ તિવારીએ શાહનવાઝને જોયો. તેમને શંકા જતા કોથળાની તપાસ કરતા તેમાંથી શરીરના અલગઅલગ અંગોના ટુકડા જોઈને ચોંકી ઉઠયો હતો અને તેને પોલીસ મથકમાં લઈ ગયો હતો ત્યાં પીઆઈ સી.આર.જાદવે પૂછપરછ કરતા શાહનવાઝ તેની બીજી પત્નીની હત્યા કર્યા બાદ લાશને સગવેગ કરવા માટે ટુકડા કરી ખાડીમાં ફેંકવા માટે આવ્યો હોવાની કબૂલાત કરી હતી.

ઉધના પોલીસે લાલગેટ પોલીસને જાણ કરતા પોલીસની એક ટીમે શાહનબાઝના ઘરે તપાસ કરતા યુવતીનું માથું અને હાથ પગ મળી આવ્યા હતા. આ ઘટનામાં શાહનવાઝ સાથે તેની પત્ની અને બહેનની પણ સંડોવણી હોવાનું પોલીસ માની રહી છે કારણ કે હત્યાની ઘટના ગઈકાલે બની હતી અને લાશના ટુકડા કરતા એક વ્યકિતનું કામ નથી બીજી બાજુ શાહનવાઝની બહેન ગઈકાલે જ દિલ્હી રવાના થઈ છે. પોલીસે મોડી રાત્રે શાહનવાઝની પત્ની અને માતા પિતાની પણ પોલીસ મથકમાં લાવી પૂછપરછ હાથ ધરી છે.

ક્રાઈમ પેટ્રોલ સિરિયલ જોઈને કરી હત્યા

શાહનવાઝ મીંયાશેખે તેની બીજી પત્ની જુલેખાની ગળુ દબાવી હત્યા કર્યા બાદ લાશને સગેવગે કરવા માટે તેના ટુકડા કર્યા હતા અને ભાઠેના ખાડીમાં ફેંકવા જતી વખતે પોલીસના હાથે પકડાઈ જતા મામલો બહાર આવ્યો હતો. પોલીસની પૂછપરછ દરમિયાન શાહનવાઝે ક્રાઈમ પેટ્રોલ સિરિયલ જોઈને આ કૃત્યુ કર્યું હોવાની કબૂલાત કરી હોવાનું જાણવા મળે છે.