મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ શહેરના પાંડેસરાના વડોદ વિસ્તારમાંથી 4 વર્ષીય બાળકીની હત્યા કરાયેલી લાશ મળી તેની ઓળખ કરવાના ભાગરૂપે પોલીસની અલગ અલગ ટીમોએ બે દિવસમાં 12,000 ઘરે જઈ બાળકીનો ફોટો બતાવ્યો આમ છતાં બાળકીની ઓળખ કરવામાં પોલીસને સફળતા સાંપડી નથી. તો અઠવાડિયા પૂર્વે વેસુ વિસ્તારમાંથી એક અજાણ્યા યુવાનની લાશ મળી હતી. તેની સાથે આ બાળકીનો ડીએનએ ટેસ્ટ કરાવાશે.

પોલીસ માટે પડકારરૂપ કેસમાં બાળકીની ઓળખ ન થાય ત્યાં સુધી પોલીસની તપાસ આગળ ચાલે નહીં તેવી સ્થિતિમાં હાલ પોલીસની અલગ અલગ 8 ટીમોમાં 100 જેટલા કર્મચારીઓ ઘરે ઘરે ફરી રહ્યા છે. બે દિવસમાં 12,000 ઘરોમાં ફોટો બતાવી ઓળખના પ્રયાસો કર્યા હતા પણ તેમાં નિષ્ફળતા સાંપડી  હતી. તો કેટલીક જગ્યાએ પોલીસ હજુ તો બાળકીનો ફોટો બતાવે તે પહેલા તો સામેની વ્યક્તિ પોતાના મોબાઈલ ફોનમાં આવેલો મેસેજ પોલીસને બતાવી દેતી હતી.

બાળકીનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ઘટનાના ત્રણ દિવસ પૂરા થયા છે આમ છતાં હજુ સુધી કોઈ પોલીસ સુધી પહોંચ્યું નથી એ વાતને ધ્યાને લઈ પોલીસને એવી શંકા જણાઈ રહી છે કે આ બાળકીની હત્યા તેના અત્યંત નજીકના વ્યક્તિએ જ કરી હોવી જોઈએ. એટલે કે કાં તો માતાએ અથવા પિતાએ કરી હોવી જોઇએ. આ વાતને કેન્દ્રમાં રાખી એ મુદ્દે પણ પોલીસે તપાસ કેન્દ્રીત કરી છે. તો બાળકીની લાશ પરથી નવાં કપડાં મળ્યાં છે. આ વાતને ધ્યાને લઈ કપડાંની દુકાનોમાં પણ પોલીસે તપાસ કરી છે. કોઈ આ રીતે કપડાં ખરીદી ગયું હોય અને દુકાનના સીસી કેમેરામાં જોવા મળતા હોય તો પોલીસને કડી મળે એ વાતને કેન્દ્રમાં રાખી પોલીસની ટીમ દુકાનની તપાસ કરી રહી છે.

અઠવાડિયા પૂર્વે વેસુની કેનાલ નજીકથી એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી હતી. ગોદડા અને ચટ્ટાઈમાં પેક કરેલી આ લાશમાં યુવાને માત્ર ચડ્ડી જ પહેરી હતી. આ લાશની પણ ઓળખ હજુ સુધી થઈ નથી. તેવા સંજોગોમાં આ યુવાન અને બાળકી વચ્ચે કોઈ સંબંધ છચે કે કેમ? એ સ્પષ્ટ કરવા પોલીસ બન્નેના ડીએનએ ટેસ્ટ કરાવશે તેમ નાયબ પોલીસ કમિશનર બી.આર. પાંડોરે કહ્યું હતું. આ ઉપરાંત કોઇ પણ વ્યક્તિ બાળકી અંગેની માહિતી ફોન પર આપશે તો તે વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં એટલું જ નહીં પણ પોલીસ એ વ્યક્તિને નામ પણ પૂછશે નહીં.