મેરાન્યૂઝ નેટવર્ક સુરત : વર્તમાન સમયમાં પ્રમાણિકતા માટે મેં હું ચોકીદાર તેમજ ચોકીદાર હી ચોર હૈ જેવા અભિયાન હાથ ધરવા પડતા હોય...ત્યારે ઈમાનદારી માટે ખરેખર ૫૬ની છાતી જ જોઈએ... એક તરફ પુત્ર ઉચ્ચ અભ્યાસ કરતો હોય અને તે માટે લીધેલી લોન ચુકવવાની બાકી હોય ત્યારે રસ્તે પડેલા રૂપિયા ૧૦ લાખ જેટલી અધધધ રકમ કોને વ્હાલી ના લાગે..! પરંતુ સુરતના કાપડના શો રૂમમાં કામ કરતા દિલીપ પોદારને લખપતિ થવાનો કોઈ જ શોર્ટકટ કે મોહ રાખ્યા વિના મૂળ માલિકને આ રૂપિયા ૧૦ લાખ પરત કરી ઈમાનદારીની મિશાલ ઝળહળતી રાખી છે. જેમાં મૂળ માલિકે પણ માનવતા મહેકાવી આ ઈમાનદાર યુવાનને સામાન્ય બક્ષીસ નહિ, પરંતુ રૂપિયા બે લાખ ભેટમાં આપ્યા છે.

સુરતમાં કાપડના એક શો રૂમમાં માત્ર રૂપિયા ૧૫ હજારના વેતન પર કામ કરતા યુવાનને રસ્તામાં રૂપિયા ૧૦ લાખ પડેલા મળ્યા.. વર્તમાન સમયમાં સામાન્ય માનવીથી લઇ રાજકારણી કે કેટલાક લોભી સાધુ-બાવાઓ પણ ખણખણતા રૂપિયા વીણતા હોય છે. ત્યારે વેસુમાં સિદ્ધિવિનાયક મંદિર પાસે એસએમસી આવાસમાં રહેતા મૂળ બિહારી યુવાન દિલીપ પોદારને અઠવા લાઈન્સ ખાતેથી રૂપિયા ૧૦ લાખ મળ્યા હતા. દિલીપ પોદારનો પુત્ર ઉચ્ચ અભ્યાસ કરી રહ્યો હોવાથી તેના માટે દિલીપ પોદારે લોન પણ લીધેલી છે. આ આર્થિક સંકડામણમાં દિલીપને પૈસાની ખુબ જ જરૂર હતી. પરંતુ તેનો અંતર આત્મા વર્તમાન કલિયુગ સામે હાર્યો નહિ અને રાતોરાત લખપતિ બનવા માટે કોઈ જ શોર્ટકટ અપનાવ્યા વિના તેને મૂળ માલિકને આ પૈસા પરત આપવાનો નિર્ણય કર્યો.

મૂળ માલિકને શોધવાની મૂંઝવણમાં તેણે શો રૂમના મેનેજરને કહી પોલીસને સત્ય હકીકતની જાણ કરી. જેમાં ઉમરા પોલીસે પણ મૂળ માલિક એવી મહિલાને શોધી કાઢી. આ મહિલા પોતાના પુત્રના લગ્ન માટે જ્વેલરી ખરીદવા જઈ રહી હતી. ત્યારે આ રૂપિયા ખોવાઈ ગયા હતા. આથી પોલીસે સામેથી બોલાવીને પૈસા આપી હકીકત જણાવતા મૂળ માલિકે માનવતા દાખવી દિલીપ પોદારની ઈમાનદારી માટે ઉમર પોલીસ સ્ટેશનના પીઆઈ કુલદીપ ગઢવીના હસ્તે રૂપિયા બે લાખ ભેટ આપ્યા હતા.