મેરાન્યૂઝ નેટવર્ક. સુરતઃ કેન્દ્રમાં ભાજપની સરકાર છે. પૂર્ણ બહુમત છે. વળી, વડાપ્રધઆન નરેન્દ્ર મોદી કડક પગલાં ભરવા માટેની હિંમત ધરાવે છે તેવા સંજોગોમાં બળાત્કારીઓને જાહેરમાં જ એસિડ છાંટી મારી નાખવા જેવા કડક કાયદા બનાવવા જોઇએ તેવો સૂર વ્યક્ત કરતો એક વીડિયો સુરતની યુવતીએ મોદી સુધી પહોંચાડવાની અપેક્ષા સાથે યુ ટ્યૂબ પર મૂક્યો છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

સુરતની એક યુવતીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં આ યુવતી આક્રોશપૂર્ણ ભાષામાં બળાત્કારીઓને એસિડ છાંટી જાહેરમાં મારી નાખવાની વાત કરે છે. આ વીડિયો નરેન્દ્ર મોદી સુધી પહોંચતો કરવાની વાત પણ આ યુવતીએ કરી છે. આ યુવતીએ પોતાની ઓળખ ભાજપના સભ્ય તરીકે આપી છે અને કહ્યું છે કે મોદીજી અત્યારે તો તમારી બહુમતી છે. આપ કાયદો બનાવી શકો છો. આપ ઐતિહાસિક નિર્ણય લેવા માટે જાણીતા છો. તેવા સંજોગોમાં બળાત્કારીઓ સામે કડકમાં કડક સજાની અને તાત્કાલિક અસરથી સજા મળે તેવો કાયદો બનાવવાની વાત આ યુવતીએ કરી છે. પૂરા વિશ્વમાં ભારતનું નામ બળાત્કારી દેશ તરીકે  ખરડાઈ રહ્યું છે. તેવા સંજોગોમાં બળાત્કારી સામે કડક કાયદો બનાવવો જરૂરી છે. આજે સ્થિતિ એ છે કે બહેન દીકરી સલામતીનો અહેસાસ નથી કરી શકતી. તે ઘરેથી નીકળે છે ત્યારે પાછી સલામત ઘરે પરત ફરે તે મુદ્દે બહેન દીકરી પણ ચિંતીત છે તો તેના માતા-પિતા પણ એટલા જ ચિંતા અનુભવે છે.