મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ  પશ્ચિમ બંગાળની એક યુવતીની દર્દનાક કહાની સપાટી પર આવી છે. ફેસબુકના માધ્યમથી મિત્રતા થઈ, એ મિત્રતા પ્રેમમાં પરિણમી. સુરતના યુવાને લગ્નની લાલચે તેને સુરત બોલાવી લીધા બાદ લગ્ન તો ન કર્યા પણ તેની પાસે દેહવ્યાપાર કરાવવા લાગ્યો હતો. આખરે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, વેસ્ટ બંગાળમાં રહેતી યુવતીને દોઢ વર્ષ અગાઉ અમરોલીના કોસાડ આવાસમાં રહેતા અફઝલ જલીલ મુલ્લા સાથે ફેસબુક મારફતે મિત્રતા થઇ હતી. આ મિત્રતા આખરે પ્રેમમાં ફેરવાઈ હતી. અફઝલે યુવતીને લગ્નની વાત કરી હતી. યુવતીએ સ્વિકાર કરતા તેણીને સુરત બોલાવી હતી. યુવતી 14 મહિના પહેલા વેસ્ટ બંગાળથી અમદાવાદ રહેવા આવી હતી. થોડો સમય રોકાયા બાદ તે બેંગ્લોર જતી રહી હતી ત્યાં બે મહિના રોકાયા બાદ સુરત આવી ગઈ હતી.

છેલ્લા નવ મહિનાથી તે સુરતમાં જ અફઝલના ઘરની થોડા જ નજીકમાં રહેતી હતી. લગ્ન કરવા માટે બોલાવ્યા બાદ લગ્ન નહીં કરી તેણીની સાથે અવારનવાર શરીરસંબંધ બાંધી તેણીને ત્યાં જ રાખી હતી. ત્યારબાદ તેણીની પાસેથી દેહવ્યાપારનો ધંધો કરાવવાનું શરૂ કર્યું હતું. દરમિયાન યુવતીને ગર્ભ રહી જતા યુવતીએ ફોટા પાડી અફઝલના સગા સબંધીઓને મોકલી દીધા હતા. આ વાતની જાણ અફઝલને થતા હવે ફોટા મોકલશે કે પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. દરમિયાન અફઝલની પત્ની, માતા અને સાસુએ માર માર્યો હતો. જેથી આખરે યુવતીએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અફઝલ, તેની પત્ની, માતા અને સાસુ સહિત ચારેય સામે ગુનો નોંધી તપાસ આદરી છે.