મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ બેગમપુરા વિસ્તારમાં રહેતી ૨૮ વર્ષીય ફેશન ડિઝાઈનર યુવતીને ફેસબુક ઉપર થયેલા પરિચય બાદ પ્રેમ સંબંધ ભારે પડ્યો છે. પ્રેમીએ ફેશન ડિઝાઈનરને લગ્ન કરવાની લાલાચ આપી અવાર નવાર સલાબતપુરા વિસ્તારના ફલેટ, સાડી સ્ટીચીંગના કારખાનામાં તેમજ અજમેરની હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધ્યા બાદ આઠ માસનો ગર્ભ રહી જતા તેણીને અંધારામાં રાખી તરછોડીને બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા હતા.

બેગમપુરા વિસ્તારમાં રહેતી ૨૮ વર્ષીય રેહાના (નામ બદલ્યું છે) ફેશન ડિઝાઈનરનું કામ કરે છે. રેહાનાના સન ૨૦૧૩માં ફેસબુક ઉપર અરમાન રૂસ્તમઅલી હુસૈન સાથે ફ્રેન્ડશીપ થઈ હતી. અરમાન સુરતમાં સલાબતપુરા વિસ્તારમાં આવેલા તેના બનેવીના ઍસ. ઍસ. અલીની સાડીના કારખાનામાં કામ કરી ત્યાં જ રહેતો હતો. દરમિયાન ફેસબુક ઉપર ફ્રેન્ડશીપ  થયા બાદ બંને જણા એકબીજાને મળતા થયા, બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. અરમાને રૈહાનાને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી સલાબતપુરા પ્રાથમિક શાળાની સામે આવેલા રોયલ પ્લાઝા બિલ્ડીંગના ફલેટમાં, લાલવાડી ખાતે સાડી સ્ટિચિંગના કારખાનામાં તેમજ અજમેર ફરવા લઈ ગયો હતો, ત્યારે હોટલમાં શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ રીતે અરમાને રૈહાના સાથે અવાર નવાર શારીરિક સંબંધો બાંધતા તેણીને ગર્ભ રહી ગયો હતો. હાલમાં રૈહાનાને આઠ માસનો ગર્ભ છે ત્યારે અરમાને તેને અંધારામાં રાખી બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા છે. રૈહાનાને ખ્યાલ આવી ગયો કે અરમાને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા બાદ વિશ્વાસઘાત કર્યો છે જેથી સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.