મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ ભારે સુરક્ષા વ્યવસ્થા અને સીસી કેમેરાથી કેદ ડાયમંડની ફેક્ટરીમાં એસિડમાં પલાળી સોનું નિતરવા મૂક્યું એ વખતે ફેક્ટરીની પાછળના ભાગે એસીની બારી વાટે ઘૂસેલા તસ્કરો રૂ. 1.35 કરોડની કિંમતનું સોનુ ચોરી ગયા હોવાની ફરિયાદ કતારગામ પોલીસ મથકમાં નોંધાઈ છે.

કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ ડાયમંડ એકસ્પોર્ટ કંપનીની સિસ્ટર કન્સર્ન કિરણ જવેલમાંથી સોમવારે મોડી રાત્રે તસ્કરો રૂપિયા 1.35 કરોડના સોનાની ચોરી કરી જવાની ઘટનાએ સમગ્ર હીરાઉદ્યોગ અને જવેલરી ઉદ્યોગમાં ખળભળાટ મચાવી દીધો છે. આખી બિલ્ડીંગમા  સીસીટીવી હોવા છતા તસ્કરો સોનાની ચોરી કરી ભાગી છૂવામાં સફળ રહ્યા હતા. ફેકટરીની પાછળના ભાગે એસીની બાજુની બારી તોડીને તસ્કરો સોનું લઇને ભાગી છૂટ્યા હતા.

જાણવા મળેલી માહિતી મુજબ વિશ્વના ડાયમંડ ઉદ્યોગમાં અગ્રણી ડાયમંડ કંપની તરીકે જાણીતી કિરણ ડાયમંડ એક્સોપોર્ટસની કતારગામ વિસ્તારમાં કિરણ જવેલ નામની કંપની આવેલી છે. ફેકટરીમાં સોનામાં એસિડ નાંખીને તેને નિતરવા મૂકી રખાયું હતું. સોમવારે મોડી રાત્રે તસ્કરો પાછળના ભાગેથી ફેકરટીમાં ઘુસીને એસિડ કાઢીને રૂપિયા 1.35 કરોડનું સોનું લઇને પલાયન થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો કિરણ જવેલ પર પહોંચ્યો હતો.પોલીસના કહેવા મુજબ એસીની બાજુમાં આવેલી બારી તોડીને તસ્કરો અંદર ઘુસ્યા હતા. ચારેક તસ્કરો હોવાનું પોલીસનું અનુમાન છે. કતારગામ પોલીસ વધુ તપાસ કરી રહી છે.