મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સામાન્ય સંજોગોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રાબેતા મુજબ જળવાઈ રહે તે જોવાની જવાબદારી જેમના માથે છે તેવા પોલીસ જમાદારે જ કાયદો હાથમાં લઈ એક યુવાન પર જીવલેણ હુમલો કર્યો હતો. આ અંગે જમાદાર સહિત પાંચ સામે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસે જમાદાર સહિત ત્રણની ધરપકડ કરી છે.

સલાબતપુરાના રેશમવાડમાં સોમવારે રાત્રે એક હેડ કોન્સ્ટેબલ, તેના ભાઈ, પુત્ર સિહત પાંચ યુવાનોએ એ જ વિસ્તારના એક યુવાન પર પ્રાણઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. આ અંગે ખૂનની કોશીશનો ગુનો સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાયો છે. જેમાં પોલીસે જમાદાર, તેના ભાઈ અને પુત્રની ધરપકડ કરી છે.

રેશમવાડમાં રહેતા અને જિમ ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કરતા સુલેમાન અબ્દુલ કાદર શેખ (ઉ.વ.34)એ નોંધાવેલી ફરિયાદ મુજબ સોમવારે રાત્રે આઠ વાગ્યાથી શરૂ થયેલા ઝઘડામાં રાત્રે દોઢ વાગ્યે જમાદાર સકીલ અહમદ મહંમદ ઇસ્માઇલ શેખ, તેના ભાઈહનિફ અને પુત્ર ઝાફર સકીલ અહેમદ શેખ, રેહાન અને રિઝવાને પ્રાણઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ સકીલ અહેમદ શેખ (ઉ.વ.45) પોલીસ હેડ ક્વાર્ટરમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. જેના ભત્રીજાની  સુલેમાને મજાક કરી હતી. આ મુદ્દે ઝઘડો થયો હતો. પોલીસે સકીલ, તેના ભાઈ હનિફ અને પુત્ર ઝાફરની ધરપકડ કરી છે. વધુ તપાસ સલાબતપુરાના પોઈ વી.જે. ચૌધરી કરી રહ્યા છે.