મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ પારિવારિક પ્રશ્નમાં પ્રેમલગ્ન કરનારી પુત્રીનું માતા-પિતાએ અપહરણ કર્યું એ ઘટવામાં હીરા ઉદ્યોગના અગ્રણીની ધરપકડ  કરાતા મામલો  તંગ બન્યો હતો. ધરપકડની વાત  સોશિયલ  મીડિયા મારફતે સંખ્યાબંધ લોકો સુધી પહોંચી જતાં લોકોનાં ટોળાં ચોકબજાર પોલીસ મથક બહાર એકઠા થયાં હતાં. થોડા સમય માટે તો પોલીસ  પણ ટેન્શનમાં આવી ગઈ હતી.
પ્રેમ લગ્ન કરનાર યુવતીના અપહરણ કેસમાં હીરા અગ્રણી ભુપત ગાબાણીની ચોકબજાર પોલીસે ધરપકડ કરી હતી. જેને લઈને લોકોનું ટોળું ચોકબજાર પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. જેથી પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. અને હાલ મામલો થાળે પાડી વધુ તપાસ કરવામાં આવી રહી છે.

પાટીદાર સમાજની યુવતીને પ્રજાપતિ સમાજનો યુવક ભગાડી ગયો હતો અને લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ આ યુવતીનું તેના પરિવારજનોએ અપહરણ કરીને છુટાછેડા કરાવી દીધા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં સમાજના અગ્રણી ભુપત ગાબાણીની પણ સંડોવણી હોવાનો ઉલ્લેખ કરાયો હતો. ત્યારબાદ સમાજ વચ્ચે મંત્રણાનો દોર ચાલ્યો હતો. દરમિયાન પોલીસે ભુપત ગાબાણીની ધરપકડ કરી હતી. જેથી લોકોમાં રોષ ફેલાયો હતો. અને 200થી વધુ લોકોનું ટોળું ભુપત ગાબાણીને છોડાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

હીરા અગ્રણીની ધરપકડ કરવામાં આવતા સોશિયલ મીડિયામાં તેના સમર્થનમાં મેસેજ વાયરલ કરવામાં આવ્યા હતા. જેમાં હીરા બજારથી લઈને કારખાનાઓ બંધ રાખી ચોક બજાર પોલીસ સ્ટેશન પહોંચવા સુધીની અપીલ કરવામાં આવી છે.