મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ પીપલોદ ગામ સમસ્ત ટ્રસ્ટની આશરે પાંચ હજાર કરોડ રૂપિયાની કિંમતની જમીનના મામલે છેલ્લા એક વર્ષથી ચાલતા વિવાદમાં આખરે સોપારી આપી હત્યા કરાવવા સુધી વાત પહોંચી ગઈ હતી. મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસે ગુનો નોંધી સોપારી આપનારા અને લેનારા ત્રણેયને પકડી પાડ્યા છે.

પીપલોદમાં શારદાયતન સ્કૂલની પાછળ કરોડોની કિંમતની ખુલ્લી જમીન છે. આ જમીનને લઈ છેલ્લા એક વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. જેમાં લેકવ્યુ હોટલના માલિક હેમંતભાઈ રામભાઈ પટેલે ઉમરા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની અને તેમના મિત્ર યોગેશભાઈની હત્યા કરવા માટે વિરલ હરીશ પટેલ (ઉ.વ.30, રહેઃપીપલોદ ગામ)એ આશિષ ઉર્ફે કાલિયો કાંતિ પટેલ (ઉ.39, રહેઃ શ્રીનાથજી સોસાયટી, પીપલોદ ગામ), રાહુલ ઉર્ફે મેક્સી હસમુખ કહાર (ઉ.વ.28, રહેઃ માછીવાડ.નાનપુરા)ને રૂ. 15 લાખની સોપારી આપી હતી. જેના આધારે પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ પીપલોદ ગામ સમસ્ત ટ્રસ્ટની માલિકીની કરોડો રૂપિયાની કિંમતની જમીન શારદાયતન સ્કૂલની પાછળ, પ્રગતિ મેદાન ખાતે આવેલી છે. જે જમીનના મામલે વિવાદ ચાલી રહ્યો છે. આ સંદર્ભમાં ગઈ તા. 16-3-18ના રોજ સાંજે સાત વાગ્યે ટ્રસ્ટી હરીશભાઈ નગીનભાઈ પટેલ (ઉ.વ.54) પગપાળા જઈ રહ્યા હતા તે વખતે ચાર-પાંચ અજાણ્યા લોકો આવ્યા હતા અને તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલો પાછળ અન્ય ટ્રસ્ટીઓ હેમંત રામ પટેલ, તેજસ પટેલ, મુકેશ ભગુ પટેલ, મુકેશ ચંદુ પટેલ, જગદીશ ચંદુ પટેલ, મહેશ ચંદુ પટેલ સામે શંકા વ્યક્ત કરી હતી. જે તે વખતે પોલીસે આ તમામની પૂછપરછ પણ કરી હતી.

નીલેશે જ હેમંત પટેલને જાણ કરી!

સમગ્ર કિસ્સો પોલીસ સમક્ષ એ રીતે પહોંચ્યો હતો કે વિરલે રૂ. 15 લાખની સોપારની આપવાની વાત કરી હતી તેમાં આશિષ અને રાહુલ ઉપરાંત નીલેશ કાળાને પણ કરી હતી. નીલેશે આ વાત લેકવ્યુ હોટલના માલિક હેમંતભાઈ પટેલને કરી દીધી હતી. જેના કારણે હુમલો થાય કે વાત આગળ વધે એ પહેલા જ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચી ગયો હતો અને ત્રણેય પકડાઈ ગયા હતા. પકડાયેલા ત્રણેયને રિમાન્ડની માગણી સાથે સોમવારે સાંજે કોર્ટમાં રજૂ  કરતા જજે ત્રણેયનાં તા. 19મી સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યાં હતાં.