મેરાન્યૂઝ.સુરતઃ વાર્ષિક રૂ. 600 કરોડનું ટર્ન ઓવર ધરાવતી હીરા જગતની એક અગ્રણી કંપનીએ નાદારી નોંધાવતા સુરત અને મુંબઈના સંખ્યાબંધ વેપારીઓને પરસેવો વળી ગયો હતો.

હોંગકોંગ અને બેંગકોકમાં ડાયમંડ જવેલરીની ટોચની ફર્મ ગણાતી કંપનીએ ભારતીય ચલણ પ્રમાણે ૩૫૦ કરોડમાં નાદારી નોંધાવતા સુરત અને મુંબઇના હીરા ઉદ્યોગમાં ખળભળાટ ફેલાયો છે. મૂળ બનાસકાઠાંના ડીસાના વતની બંને ભાઇઓની કંપનીને મુંબઇમાં ડાયમંડ જવેલરી ઉદ્યોગમાં ટોચની કંપની ગણવામાં આવે છે. આ બંને ભાઇ પૈકી એક ભાઇ હીરા ઉદ્યોગના વેપારના નિષ્ણાંત ગણાય છે અને આંતરરાષ્ટ્રીય ફોરમ પર ભારતના જેમ એન્ડ જવેલરી ઉદ્યોગની વાત રજૂ કરવા માટે અગ્રણી વક્તા ગણાય છે. તેવા નિષ્ણાંત હીરા ઉદ્યોગકારના ભાઇની કંપની કાચી પડતા સુરત અને મુંબઇમાં ડાયમંડ મેન્યુફેકચરિંગ યુનિટ ધરાવનાર કંપની કાચી પડતા રફ સપ્લાયર કંપનીઓની ચિંતા વધી છે.

આ કંપની અગાઉ એન્ટવર્પમાં ચેપ્ટર ઇલેવન હેઠળ ગયા મહિને કોર્ટમાં નાદરી નોંધવતા કોર્ટે એન્ટવર્પ ડાયમંડ બેંકનું ૧૦૦ કરોડનું ધિરાણ ત્રણ વર્ષમાં ચૂકતે કરવા આદેશ આપ્યો હતો તથા કંપનીના એન્ટવર્પના સંચાલકોને બેલ્જીયમ નહીં છોડવા આદેશ આપ્યો હતો. કંપનીના સંચાલકોએ એન્ટવર્પનું ધિરાણ ચુકતે કરવા હોંગકોંગ અને બેંગકોંગમાં નાદારી નોંધાવતા મામલો ડિફોલ્ટર ફોરમમાં ગયો છે. આ કંપની મુંબઇના સિપ્ઝમાં અને સુરતના વસ્તાદેવડી રોડ વિસ્તારમાં મેન્યુફેકચરીંગ યુનિટ ધરાવે છે. હોંગકોંગ અને બેંગકોંગમાં આ કંપનીને પોલીશ્ડ ડાયમંડની સપ્લાય સુરત અને મુંબઇની કંપની કરતી હતી. એટલુ જ નહીં પરંતુ રફ ડાયમંડ ક્રેડિટ પર આપવાનું કામ સુરતની કંપનીઓ કરતી હતી. કાચી પડેલી કંપની એક સમયે ચીનમાં ટોચની કંપની ગણાતી હતી. ભારતના ૩૯ બીલીયન ડોલરના એક્ષ્પોર્ટમાંથી ૯.૫ બીલીયન ડોલર ડાયમંડ જવેલરીનો એક્ષ્પોર્ટ હોંગકોંગ અને બેંગકોંગમાં થાય છે. તેમાં સુરત-મુંબઇની આ કંપનીનો મોટોફાળો હતો.

2 ઓકટોબર ગાંધી જંયતીના દિવસે સુરતના હીરા બજારોમાં સામાન્ય કામકાજ જોવા મળ્યું હતું. એ દરમિયાન એન્ટવર્પથી સુરતના હીરાના આ વેપારીઓને સોશિયલ મીડિયા થકી મોકવામાં આવેલા સંદેશામાં ચોંકવાનારી માહિતી આપવામાં આવી હતી. જેમાં સુરતની એક મોટી ડાયમંડ કંપનીએ એન્ટવર્પ ડાયમંડ બેંક પાસેથી મેળવેલી ૨૬ મીલીયન અમેરિકન ડોલરની લોન ચુકતે કરવા માટે ૧૦ વર્ષનો સમય માગતા હીરા ઉદ્યોગકારોને આશ્ચર્ય થયું હતું. ૬૦૦ કરોડનું ટર્ન ઓવર ધરાવનાર સુરતની આ ડાયમંડ કંપનીએ ચેપ્ટર ઇલેવન હેઠળ કેસ દાખલ કરી બેંકનું ધિરાણ ચૂકતે કરવા માટે લાંબા સમયની માંગણી કરતા હીરા ઉદ્યોગમાં અચરજ ફેલાયું હતું. મૂળ પાલનપુરના દાતા ગણાતા જૈન ઉદ્યોગકારની કંપનીએ બેંકનું ધિરાણ ચૂકતે કરવા લાંબો સમય માંગતા આ કંપની આર્થિક ભીંસમાં હોવાની ચર્ચા ચાલી હતી. ડોલર સામે રૂપિયાના ધોવાણને કારણે ઊંચી કિંમતની રફ ખરીદી ડાઉન પ્રાઇઝમાં પોલીશ્ડ ડાયમંડ વેંચવા જતા કંપનીને કરોડોનું નુકશાન થયું હતું.