મેરાન્સુયૂઝ નેટવર્ક.સુરતઃ ગુજરાતમાં પાટીદારોને અનામતનો લાભ મળે તે માટે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા છેલ્લાં બે વર્ષથી આંદોલન ચલાવાઈ રહ્યું છે. જેમાં સરકારે આકરું

વલણ અખત્યાર કરી રાજ્યભરમાં પાસના આગેવાનો અને કાર્યકરો સામે ધડાધડ ગુના નોંધવા માંડ્યા હતા. હવે સમય બદલાયો. સરકાર એ કેસમાંથી કેટલાક કેસ પાછા ખેંચી લેવા
તૈયાર થઈ છે. જેની જાહેરાત પણ કરવામાં આવી છે. જેના ભાગરૂપે સુરતમાંથી કુલ 10 ગુના પરત ખેંચવાનો આદેશ કલેક્ટરે કર્યો છે.

આ અંગે કલેક્ટર મહેન્દ્ર પટેલનું કહેવું છે કે મુખ્યત્ત્વે રાયોટિંગ અને જાહેરનામાના ભંગના કુલ 10 ગુના પરત ખેંચવાનો આદેશ મુખ્ય જિલ્લા સરકારી વકીલને કરી દેવાયો છે. હવે પછીની વહીવટી પ્રક્રિયા મુખ્ય જિલ્લા સરકારી વકીલ કરશે. 10 ગુના પાછા ખેંચવાનો આદેશ જારી કર્યો છે તેમાં સુરતના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા 9 અને કામરેજ પોલીસ મથકમાં નોંધાયેલા એક ગુનાનો સમાવેશ થાય છે. પૂણા પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નં. 132-2015, ઉધના પોલીસ સ્ટેશન 125 અને 127-2015, વરાછા પોલીસ સ્ટેશન 226 અને 861, સરથાણા પોલીસ સ્ટેશન 27,102,114 અને 296 તેમજ કામરેજ પોલીસ સ્ટેશન 412-2015ના ગુના પાછા ખેંચવામાં આવશે. આ તમામ ગુના પાછા ખેંચાવાની કાર્યવાહી પૂર્ણ થયેથી 623 પાટીદારોને કોર્ટ કાર્યવાહીમાંથી મુક્તિ મળશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ સામે કરાયેલો રાષ્ટ્રદ્રોહનો ગુનો યથાવત્ રહેશે.