મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ શહેરના ગોડાદરાની કરોડો રૂપિયાની કિંમતની જમીન બોગસ પાવર ઓફ એટર્નીના આધારે પચાવી પાડવા સંદર્ભે દોઢ વર્ષ પૂર્વે નોંધાયેલ ગુનામાં પોલીસે બિલ્ડર શાંતિલાલ શાહની ધરપકડ કર્યા બાદ તેની ઓફિસ, ઘર અને તેના સાળાની ઓફિસ મળી કુલ 4 જગ્યાએ તપાસ કરી હતી. જ્યાંથી કેટલાક દસ્તાવેજી પુરાવા પોલીસને હાથ લાગ્યા હતા.

ગોડાદરાના સુથાર ફળિયામાં રહેતાં ઉષાબહેન ગોપાલભાઈ લાડે એપ્રિલ 2017માં લિંબાયત પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમાં કરંજ વિસ્તારના ભાજપના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી સહિત કુલ 14 આરોપીના નામો લખાવ્યા હતા. આ તપાસ જાન્યુઆરી 2018માં સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી હતી. પરિણામે સીઆઇડી ક્રાઇમની ટીમે બિલ્ડર શાંતિલાલ મદનલાલ શાહ (રહે. સૈફી સોસાયટી, લંબેહનુમાન રોડ, વરાછા)ની ધરપકડ કરી હતી. જેનાં એક દિવસનાં રિમાન્ડ મંજૂર થયાં હતાં. જેમાં શાંતિલાલની ઓફિસ, ઘર અને શાંતિલાલના સાળાની અડાજણ વિસ્તારમાં આવેલી ઓફિસ પર પોલીસે તપાસ કરી હતી. જ્યાંથી કેટલાક મહત્ત્વના દસ્તાવેજી પુરાવા પોલીસને હાથ લાગ્યા હતા. જે કબજે કરી પોલીસે આ દસ્તાવેજી પુરાવાનો અભ્યાસ હાલ હાથ ધર્યો છે તેમ તપાસનીશ અધિકારી પોઈ એસ.સી. તરડેએ કહ્યું હતું

અત્રે ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2017માં ઉષાબહેને લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીમાં ધારાસભ્યનું નામ હોવાના કારણે લિંબાયત પોલીસે તપાસમાં ઢીલું વલણ અખત્યાર કરતા ઉષાબહેને હાઇકોર્ટનું શરણું ગ્રહણ કર્યું હતું. હાઇકોર્ટના આદેશ બાદ જાન્યુઆરી 2018થી આ ગુનાની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપાઈ હતી. ત્યારથી અત્યાર સુધી કાનૂની જંગ ખેલાયો તેમાં ધારાસભ્ય ઘોઘારીને કોર્ટમાંથી રાહત ન મળતા હવે તેની ધરપકડનો રસ્તો ખુલી ગયો છે ત્યારે જોવાનું એ રહ્યું કે સીઆઇડી ક્રાઇમની ટીમ તેની ધરપકડ ક્યારે કરે છે?