મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ ભટાર રોડ સ્થિત કાપડિયા હેલ્થ કલબના સ્વિમિંગ પુલમાં બુધવારે સાંજે કાપડના વેપારીના સાડા અગિયાર વર્ષના પુત્રનું ડુબી જવાથી મોત નિપજવાના પ્રકરણમાં મેનેજમેન્ટની ગંભીર બેદરકારી બહાર આવી છે. પુત્રને પાણીમાં ડુબતા જોઈને માતાએ જોરજોરથી બૂમો પાડી હતી પરંતુ કોચ તેમની બૂમો પર ધ્યાન ન આપી પોતાની મસ્તીમાં બેસી રહ્યો હતો.

ગુરુવારે સવારે સિવિલ હોસ્પિટલમાં મૃતકના પરિવારજનો, સંબંધી, વેપારી તેમજ સમાજના મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને જ્યાં સુધી કાપડિયા હેલ્થ કલબના સંચાલક અને કોચ સામે ગુનો દાખલ કરવામાં ન આવે ત્યાં સુધી લાશ લેવાનો ઈનકાર કરી ભારે હોબાળો મચાવતા પોલીસ દોડતી થઈ હતી. આખરે પોલીસે ગુનો નોંધવાની તૈયારી દર્શાવી હતી અને મૃતદેહનો સ્વિકાર  કરવા પરિવારજનોને સમજાવ્યા હતા. જેના કારણે મામલો થાળે પડ્યો હતો.

વેસુ વીઆઈપી રોડ નંદનવન-૨ રેસિડેન્સીમાં રહેતા મૂળ રાજસ્થાનના પિંકેશ પોદ્દારના સાડા અગિયાર વર્ષના પુત્ર હર્ષનું બુધવારે સાંજે ભટાર રોડ પર આવેલાં કાપડિયા હેલ્થ કલબમાં સ્વિમિંગમાં ડૂબી જવાથી મોત થયું હતું. હર્ષને હજુ સુધી બરાબર તરતા આવડતું ન હતું છતાં કોચે તેને એકલો સ્વિમિંગમાં ઉતારી દીધો હતો. દરમિયાન એકાએક હર્ષ પાણીમાં ડૂબવા લાગ્યો હતો અને પોતાની રીતે બચવા માટેના પ્રયત્ન કર્યા હતા. બીજી તરફ હર્ષને ડૂબતો જોઈને તેની માતાએ બુમો પાડી હતી પરંતુ કોચે તેની માતાની બુમો તરફ ધ્યાન પણ આપ્યું ન હતું. બાદમાં હર્ષને તાત્કાલિક બહાર કાઢીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો.

હર્ષનું સ્વિમિંગ પુલમાં કાપડિયા હેલ્થ કલબના મેનેજમેન્ટ અને કોચની બેદરકારીના કારણે મોત નિપજ્યું હતું.જેના કારણે હર્ષના પરિવારજનો, સંબંધીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરિણામે ગુરુવારે સવારે નવી સિવિલ હોસ્પિટલમાં પિંકેશના પરિવાર,સંબંધીઓની સાથે તેમના સમાજના અને મોટી સંખ્યામાં વેપારીઓ પણ આવ્યા હતા. જ્યાં સુધી હર્ષના મોત માટે જવાબદાર કાપડિયા હેલ્થ કલબના સંચાલક અને કોચ સામે ગુનો દાખલ કરવામાં ન આવે ત્યાં લાશ સ્વીકારનો ઇનકાર કર્યો હતો. જેના પગલે પોલીસ અધિકારીઓ પણ દોડતા થયા હતા. આખરે પોલીસ અધિકારીઓએ કાપડિયા હેલ્થ ક્લબના જવાબદારો સામે ગુનો નોંધવાની તૈયારી દર્શાવવામાં આવી ત્યારે મૃતદેહ સ્વિકારાયો હતો.

હર્ષના સ્વિલિંગ પુલમાં ડૂબી જવાથી મોત નિપજવાના મામલે પરિવારજનોની રજૂઆતને કારણે પોલીસ દ્વારા ગુરુવારે સવારે નવી સિવિલ હોસ્પિટલમાં હર્ષના મૃતદેહનું પેનલ પીએમ કરવામાં આવ્યું હતું. જેમાં પણ હર્ષનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હોવાનું બહાર આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.