મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ ભટારની કાપડિયા હેલ્થ ક્લબના સ્વિમિંગ પુલમાં બુધવારે સાંજે છ વાગ્યે ડૂબી જવાથી સાડા અગિયાર વર્ષીય હર્ષ પોદ્દારનું મૃત્યુ થયું હતું. જ્યારે હર્ષ પાણીમાં ડૂબી રહ્યો હતો ત્યારે સ્વિમિંગ પુલના કિનારા પર તેનાં માતા અને બહેન પણ બેઠા હતા. એટલે કે માતા અને બહેનની નજર સામે જ હર્ષનું ડૂબી જવાથી મોત થયું હતું. હર્ષ ડૂબ્યો હોવાની જાણ કોચને થતાં તાત્કાલિક અસરથી તેને બહાર કાઢી નવી સિવિલ હોસ્પિટલ પર ખસેડાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે મહાવીર હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. જ્યાં સાંજે સવા સાત વાગ્યે ફરજ પરના તબીબે હર્ષને નિષ્પ્રાણ જાહેર કર્યો હતો.

વેસુના વીઆઈપી રોડ પર એ-1004, નંદનવન-2 ખાતે રહેતા કાપના વેપારી પિંકેશભાઈ પોદ્દારનો પુત્ર હર્ષ (11 વર્ષ 6 માસ) રાબેતા મુજબ બુધવારે સાંજે સાડા પાંચ વાગ્યે પોતાના ઘરેથી માતા અને બહેન સાથે નીકળી કાપડિયા હેલ્થ ક્લબના સ્વિમિંગ પુલ પર પહોંચ્યો હતો. જ્યાં તે સાડા પાંચથી છ ફૂટ ઊંડાં પાણીમાં તરી રહ્યો હતો. તેને તરતા આવડતું હોવાથી તે અંડર વોટર તરી રહ્યો હતો. તે વખતે અચાકન જ કોણ જાણે શું બન્યું કે તેનું તરવાનું બંધ થઈ ગયું હતું. આ સ્વિમિંગ પુલમાં અન્ય આશરે 60 જેટલા બાળકો પણ તરી રહ્યા હોવાથી કોઈનું ધ્યાન હર્ષ તરફ ગયું. એ સાથે જ કોચ રિતેશ મોરેને જાણ કરાઈ હતી. રિતેશ મોરેએ તેને તાત્કાલિક અસરથી બહાર કાઢી પમ્પિંગ કરી સારવારાર્થે 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે હર્ષના કાકા સુનીલભાઈ તેને મહાવીર હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સાંજે સવા સાત વાગ્યે તેને મૃત જાહેર કરાયો હતો.