મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ માત્ર અને માત્ર ચેઇન સ્નેચિંગના ગુના કરવા માટે કાર લઈ રાજસ્થાનથી 600 કિલોમીટરનું અંતર કાપી સુરત આવનારા રીઢા ગુનેગાર સહિત બે આરોપીને ક્રાઇમ બ્રાંચની ટીમે પકડી પાડ્યા છે. જે બન્નેએ સુરતમાં 16 ગુના કર્યા હોવાની કબૂલાત કરી હતી.

ડીસીબીની ટીમે મહિધરપુરાની સીનેરા હોટલ નજીકથી બે રીઢા ગુનેગારોને ઝડપી લીધા છે. કાર લઇને રાજસ્થાનથી આ બન્ને માત્ર ચેઈન સ્નેચિંગ કરવા માટે સુરત આવતા હતા. અડાજણ, ઉમરા, કાપોદ્રા, વરાછાના મળીને કુલ 16 ગુનાઓ ઉકેલાયા છે. કારને હોસ્પિટલના પાર્કિંગમાં મૂકીને પછી ચોરીના મોપેડ પર ચેઈન તોડવા માટે બન્ને નીકળતા હતા.

શહેરમાં ઘણા સમયથી બની રહેલા ચેઈન સ્નેચિંગના બનાવોમાં ગુનેગારોને શોધી કાઢવા માટે ડીસીબીની ટીમ કામ કરી રહી હતી. જેમાં પી. એસ. આઈ. મિતેશ ત્રિવેદીના સ્ક્વોડના યોગેન્દ્રસિંહ અને મહાવીરસિંહને મળેલી માહિતીને આધારે ટીમના માણસોએ શનિવારે મહિધરપુરાની સીનેરા હોટલની પાસે વોચ ગોઠવી હતી અને બે રીઢા ચેઈન સ્નેચરો ઉમેશ ઉર્ફે લાલો ગુલાબજી ખટીક (રહે: નારણપુરા, અમદવાદ) અને દીપક ઉર્ફે રાજુભાઈ સૂર્યવંશી (રહે: હરિનગર, ઉધના)ને ઝડપી લીધા હતા. જેના પાસેથી એક કાર, ચોરીનાં 4 મોપેડ અને ચાર સોનાની ચેઈન મળીને કુલ રૂ. ૭ લાખની મત્તા કબજે કરી હતી.

પકડાયેલા બન્ને  રીઢા ગુનેગારો છે. ભૂતકાળમાં અમદાવાદમાં વાહનચોરી અને ચેઈન સ્નેચિંગના 20 ગુનામાં અનેક વખત પકડાઇ ચૂક્યા છે. ત્યાંની પોલીસ ઓળખતી થઇ જતા બન્નેએ સુરતમાં ગુનાખોરી કરવાનું નક્કી કર્યું હતું. ઉમેશ મૂળ રાજસ્થાનનો વતની છે. એટેલે રાજસ્થાનથી કાર લઇને ઉમેશ અને દીપક સુરત આવતા અને કાર કોઈ પણ હોટલ કે પછી હોસ્પિટલના પાર્કિંગમાં મૂકી દેતા અને મોપેડની ચોરી કરીને ચેઈન સ્નેચિંગ કરતા હતા. બન્નેના પકડાવાથી અડાજણ. કાપોદ્રા. વરાછા અને ઉમરા વિસ્તાર મળીને કુલ 16 ગુનાઓ ઉકેલાયા છે. મોપેડ પણ ચોરી કરી લીધા બાદ કોઈ પણ જગ્યાએ મૂકી દેતા હતા.

ગુનાનાં નાણામાંથી ભર્યું ડાઉન પેમેન્ટ

ચેઇન સ્નેચિંગના ગુના કરતા કરતા જે ચેઇન હાથ લાગે તે ચેઇન વેચી તેમાંથી ડાઉન પેમેન્ટ ભરી ઉમેશ ખટિકે આઇ-20 કાર ખરીદી હતી. દોઢ વર્ષમાં તે સાતેક વખત સુરત આવી ગુનો કરી જતો રહ્યો હતો. એક વખત તે સુરત આવે એટલે ત્રણ ચેઇન તોડ્યા બાદ જ રાજસ્થાન જતો હતો. લગભગ તો એક જ દિવસમાં ત્રણ ગુના કરી લેતો હતો.

દીપક આ રીતે સુરત રહેવા આવ્યો

આ કિસ્સામાં પકડાયેલા બેમાંથી એક દીપક સૂર્યવંશી અને ઉમેશ ખટિકે અમદાવાદમાં 20 ચેઇન સ્નેચિંગના ગુના કર્યા હોવાથી અમદાવાદ પોલીસ ઓળખતી થઈ હઈ. એ સમયે 2016ના વર્ષમાં દીપક સુરત સ્થાયી થયો. સુરતમાં તેના  દાદીમા રહેતા હોવાથી તે સુરત આવ્યો અને છ સાત મહિના સુધી અલગ અલગ વિસ્તારનો અભ્યાસ કર્યા બાદ તેના જૂના સાથીદાર ઉમેશ ખટિકને બોલાવ્યો. તે રાજસ્થાનથી સુરત આવતો, બન્ને સાથે ગુના કરતા હતા.

પછી ઉમેશે એકલા હાથે ગુના કરવાનું શરૂ કર્યું

થોડો સમય ઉમેશ રાજસ્થાનથી સુરત આવી દીપક સાથે ગુના કરવા લાગ્યો. ત્યાર પછી પચાસ ટકા ભાગ આપવાનું ઉમેશને અઘરું લાગ્યું. જેથી તેણે દીપકને સાઇડમાં મૂકી પોતે પોતાની રીતે ગુના કરવાનું નક્કી કર્યું. ત્યારથી તે એકલો જ ગુના કરતો હતો.