મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરત નવી સિવિલ હોસ્પિટલના કેટલાક તબીબો બેદરકારી દાખવતા હોવાના કિસ્સા સમયાંતરે સપાટી પર આવ્યા કરે છે, જેમાં એક કિસ્સાનો વધારો થયો છે. સર્જરી વિભાગના તબીબોની આ બેદરકારી એવી રહી કે એક દર્દીનું ઓપરેશન કર્યું તે વખતે પેટમાં નાખેલી નળી કાઢવાનું જ તબીબો ભૂલી ગયા. દોઢ વર્ષ પછી એ યુવાનને દુખાવો ઉપડ્યો, એક્સ-રે, સોનોગ્રાફી કરાવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે નળી તો પેટમાં જ રહી ગઈ છે. આખરે હવે નાનું ઓપરેશન કરી એ નળી બહાર કાઢવાની કામગીરી તબીબોએ હાથ ધરી છે.

પાંડેસરાના નાગસેનનગરમાં રહેતા અને એક બેન્કમાં કલેક્શનનું કામ કરતા 25 વર્ષીય ગૌત્તમભાઈ બૈસાને 2016ના વર્ષમાં પથરીનો દુઃખાવો અસહ્ય થયો. તેમણે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવી તો ઓપરેશન કરવાની સલાહ આપી. પરિણામે 27-9-16ના રોજ તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા. તા. 3-10-16ના રોજ ઓપરેશન કરી 16 એમએમની પથરી કાઢવામાં તબીબો સફળ રહ્યા. તા.9-10-16ના રોજ તેમને રજા આપી દેવામાં આવી.

પણ, બન્યું એવું કે પેશાબના નિકાલ માટે પેટમાં એક નળી નાખવામાં આવી હતી. સામાન્ય સંજોગોમાં આ નળી દોઢ-બે મહિના પછી કાઢી લેવાની હોય છે. તબીબો આ વાત ભૂલી ગયા. દર્દીનો વિષય ન હતો તેથી તેને પણ ખ્યાલ રહ્યો નહીં. આ વાતને દોઢ વર્ષ પૂરું થયું ત્યાં યુવાનને પુનઃ દુઃખાવો ઉપડ્યો. પુનઃ તે સારવારાર્થે નવી સિવિલ હોસ્પિટલે પહોંચ્યા. ત્યાં એક્સ-રે અને સોનોગ્રાફી કરાવ્યા તો ખ્યાલ આવ્યો કે તેના પેટમાં નાખેલી નળી કાઢવાનું ભૂલાઈ ગયું તેના કારણે આ દુઃખાવો થાય છે. જેથી હવે તબીબો નાનું ઓપરેશન કરી આ નળી કાઢવાની કામગીરી કરી પોતાની ભૂલ સુધારી લેવાના ચક્કરમાં પડ્યા છે.