મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ એક વ્યંડળની હત્યા કરવાના કેસમાં લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે સજા કાપતા લિંબાયત ગોડાદરા વિસ્તારના કિન્નર પાયલકુંવરના બોડીગાર્ડને ક્રાઈમ બ્રાન્ચે લોડેડ પિસ્તોલ, રોકડા રૂ. ૨૩.૬૫ લાખ અને દાગીના મળી કુલ રૂ. ૫૪.૦૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં બોડીગાર્ડે કિન્નર પાયલકુંવરનો આ મુદ્દામાલ હોવાની કબુલાત કરતા તેને વોન્ટેડ બતાવ્યો છે.

બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની લિંબાયત ગોડાદરા રોડ, મંગલપાંડે હોલ પાસેથી ઋતુરાજસિંહ આનંદબહાદૂરસિંહ ચૌહાણ (રહેઃ રામરાજ સોસાયટી, ગોડાદરા)ને ઝડપી પાડી તેની પાસેથી લોડેડ પિસ્તોલ, છ કારતૂસ, રોકડા રૂ. ૨૩,૬૫,૫૭૦ અને દાગીના મળી કુલ રૂ. ૫૪,૦૮,૧૨૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની પ્રાથમિક પુછપરછમાં બહાર આવેલી હકીકત મુજહ ઋતુરાજ 18 વર્ષથી રોજીરોટી માટે સુરત આવ્યો છે. હાલમાં લાલ દરવાજા વસ્તાદેવડી રોડ ખાતે આર.ડી.એસ.એસ. સિક્યુરિટી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. ઋતુરાજસિંહની સોસાયટીમાં રહેતા પાયલકુંવર આશાકુંવર નામના વ્યંઠળના પરિચયમાં તે આવ્યો હતો. પાયલકુંવર તેના વ્યંડળના ધંધાના રૂપિયા અને દાગીના તેને ઘરે સલામત રહે તે માટે રાખવા માટે આપતી હતી અને પકડાયેલા રૂપિયા, દાગીના પણ પાયલકુંવરના છે અને પિસ્તોલ પણ પાયલકુંવરે જ અપાવી હતી. તેના પૈસા અને દાગીના તેના વતન મૂકવા જતો હતો. 

પાયલકુંવર હાલમાં હત્યા કેસમાં લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે સજા કાપે છે. પાયલકુંવરે તેના વ્યંડળના વહેંચાયેલા વિસ્તાર બાબતે વ્યંડળો વચ્ચે થયેલા ઝઘડામાં સાગરિતો સાથે મળી પિન્કી બના નામના કિન્નરની હત્યા કરી હતી. જે કેસમાં લાજપોર જેલમાં છે.