મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સમગ્ર દેશમાં બાળકી પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરવાના મામલે ભારે ઉહાપોહ જોવા મળી રહ્યો છે તેવા સંજોગોમાં સુરતમાંથી એક બાળકીની હત્યા કરાયેલી લાશ મળી તેનો ગુનો ઉકેલવાની વાતને લઈ શહેર પોલીસ સતત ચિંતા કરી રહી છે. ક્રાઇમ બ્રાંચના એક ડીસીપી, એક એસીપી, બે પોલીસ ઇન્સ્પેક્ટર, 11 પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 100થી વધુ કર્મચારીઓ માત્ર આ ગુનાનો ભેદ ઉકેલવાના કામે જ લાગ્યા છે. તેવા સંજોગોમાં બનાવનના 11 દિવસ પછી પણ કોઈ નોંધપાત્ર હકીકત હાથ લાગી નથી. આ બાળકીની હત્યા કરવામાં આવી તે પહેલા તેને ભૂખી રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પાંડેસરામાંથી 11 વર્ષીય બાળકીની હત્યા કરાયેલી લાશ મળી એ પોલીસ માટે પડકારરૂપ ઘટનામાં તબીબી પરિક્ષણમાં એ વાત સપાટી પર આવી છે કે બાળકીની હત્યા કરી તે પૂર્વે તે ભૂખી હતી. તેને દિવસો સુધી ભૂખી રાખ્યા બાદ માર મારવામાં આવ્યો હતો. પાંડેસરા પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમે બાળકીની ઓળખ થાય તે માટે બાળકીની લાશ જે સ્થળેથી મળી તે સ્થળથી ચારે બાજુ ત્રણ કિલોમીટર સુધીના વિસ્તારમાં ઘરે ઘરે જઈ બાળકીનો ફોટો બતાવ્યો હતો. જ્યાં મકાન બંધ હોય તેના વિશેની તપાસ કરી હતી. આમ છતાં ઓળખ થઈ શકી ન હતી. બીજી બાજુ પોલીસે ટેક્નિકલ ઇન્સ્ટ્રૂમેન્ટ ફરતે પણ તપાસ કેન્દ્રીત કરી છે. જેમાં મોબાઇલ ટાવર, હાઇ-વે પરના સીસીટીવી કેમેરા, આ વિસ્તારને આવરી લેતા અન્ય કેમેરા વગેરેનો સમાવેશ થાય છે.
ગઈ તા. 6 એપ્રિલે સવારે પોણા સાત વાગ્યે પાંડેસસરાના જીઆવ બુડિયા રોડ પરથી 11 વર્ષની એક અજાણી બાળકીની હત્યા કરાયેલી લાશ મળી હતી. જેની તપાસ પાંડેસરા પોલીસે કર્યા બાદ ક્રાઈમ બ્રાંચને સોંપાઈ છે. આ ઘટનામાં બાળકીની ઓળખ કરવા માટે પોલીસે ત્રણ કિલોમીટરના વિસ્તારમાં ઘરે ઘરે જવા ઉપરાંત ધ ટ્રેક મિસિંગ ચાઇલ્ડના રેકોર્ડમાંથી 8,000 બાળકીના ફોટા સાથે બાળકીનો ફોટો મેચ કર્યો પણ તેમાં સફળતા ન મળી. ત્યાર પછી ગુજરાતીમાં 1,200 પોસ્ટર છપાવ્યા. હવે અંગ્રેજીમાં અને અન્ય રાજ્યોની ભાષામાં પણ પોસ્ટર છપાવવાની કામગીરી ચાલી રહી છે. આમ છતાં લાશ મળી તેના દસ દિવસ પછી પણ પોલીસ બાળકીની ઓળખ કરવામાં સફળ રહી નથી. 

પોલીસે આ થીયરી પર તપાસ કરી
હાલના સંજોગોમાં પોલીસ અલગ અલગ થીયરી પર તપાસ કરી રહી છે. જેમાં પોતાનું પાપ છૂપાવવા કોઈ નજીકની જ વ્યક્તિએ હત્યા કર્યાની એક થીયરી છે. તપાસનીશ અધિકારી ક્રાઈમ બ્રાંચના પોઈ બી.એન. દવેએ કહ્યું હતું કે બની શકે કે કોઈ નજીકની જ વ્યક્તિને કોઈ સાથે અફેર હોય અને આ બાળકી જોઈ ગઈ હોય તો તેને કાયમ માટે શાંત કરવા માટે તેની હત્યા કરી નાખવામાં આવી હોય. આ કિસ્સામાં બાળકીને અઠવાડિયા સુધી માર મારી ટોર્ચર કરવામાં આવી છે એ સૂચવે છે તે બાળકીને મોઢું બંધ રાખવા માટે તૈયાર કરવા માટે પ્રયત્ન કર્યા બાદ પણ જો આ જીવતી રહેશે તો પોતાનો ભાંડો ફૂટી જશે એ ડરના માર્યા તેની હત્યા કરી નાખી હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

બાળકી પર બળાત્કાર ગુજારાયો નથી
બાળકીના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં એવી જાણકારી પ્રાપ્ત થઈ છે કે બાળકી પર બળાત્કાર ગુજારાયો નથી પણ તેના ગુપ્તાંગમાં લાકડી વડે ઇજા કરવામાં આવી છે. આ વાત પરથી એટલું કહી શકાય કે જે પણ ગુનેગાર છે તે રીઢો છે. જે પોલીસ તપાસની તમામ ગતિવિધિથી વાકેફ છે. પોલીસને ગેર માર્ગે દોરવા માટે આ રીતે ઇજા કરવામાં આવી હોવાનું પણ પોલીસનું એક તારણ છે.

મહિલાની લાશ મળી તેની સાથે ડીએનએ મેચ કરાવાશે
તા. 6 એપ્રિલે આ બાળકીના લાશ મળી તેના ત્રણ દિવસ પછી એટલે કે તા. 9મી એપ્રિલે જીઆવ ગામની સરકારી જમીનમાંથી એક 30થી 35 વર્ષીય મહિલાની હત્યા કરાયેલી લાશ મળી હતી. જેની દસેક દિવસ પૂર્વે હત્યા કરવામાં આવી હોવાનું તારણ પોલીસે વ્યક્ત કર્યું હતું. આ મહિલાની લાશ જે જગ્યાએથી મળી તેનાથી દોઢેક કિલો મીટર દૂરથી બાળકીની લાશ મળી હતી. એટલે સંભવ છે કે આ મહિલા બાળકીની માતા પણ હોઈ શકે. માતાની હત્યા કર્યા બાદ પુત્રીની પણ હત્યા કરવામાં આવી હોવાની સંભવિત શક્યતાને ધ્યાને લઈ પોલીસે બન્નેના ડીએનએ મેચ કરાવવાનો નિર્ણય કર્યો છે.

ભારતભરની પોલીસને જાણ કરવામાં આવી છે
ક્રાઇમ બ્રાંચના મદદનીશ પોલીસ કમિશનર આર.આર. સરવૈયાએ કહ્યું હતું કે ભારતના તમામ રાજ્યોની પોલીસને આ બાળકી ગુમ થયા અંગેની જાણકારી આપી દેવામાં આવી છે. જે પણ કોઈ વિસ્તારમાંથી આવી કોઈ બાળકી ગુમ થયાની નોંધ હોય તો તેની વિગતો હાલ ચેક કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મોબાઈલ ટાવર લોકેશન, હાઇ-વે પરના સીસી કેમેરા, આ લાશ જ્યાંથી મળી તે રસ્તા સુધી જવાના તમામ રસ્તા પર આવેલા સીસી કેમેરા ચેક કરવાની કામગીરી હાલ ચાલી રહી છે.

40થી વધુ લોકોને બાળકીનો ફોટો બતાવાયો 
તપાસનીશ અધિકારી પોઈ બી.એન. દવેએ કહ્યું કે 8,000 બાળકીના ફોટા સાથે આ બાળકીનો ફોટો મેચ કરવાની કાર્યવાહી કરવામાં આવી તેમાં લગભગ 40 જેટલી બાળકી સાથે ઓ ફોટો મળતો આવતો હતો. જેથી એ 40 લોકોનો સંપર્ક કરવા સ્થાનિક પોલીસ સાથે સંકલન કરવામાં આવ્યું તે પોલીસને બાળકીનો ફોટો વોટ્સ એપ મારફતે મોકલવામાં આવ્યો. જેમાંથી ચાર-પાંચ પરિવાર બાળકીનો મૃતદેહ જોવા આવે તેવી શક્યતા છે. 

વધુ એક વખત અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સુરતમાં
થોડા દિવસો પૂર્વે કતારગામ વિસ્તારમાંથી રૂ. 20 કરોડની કિંમતના હીરાની લૂંટ થઈ હતી. તે ઘટનાની તપાસ માટે એટીએસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમને સુરત મોકલવામાં આવી હતી. ત્યાર બાદ વધુ એક વખત અમદાવાદ ક્રાઈમ બ્રાંચના બે પોલીસ ઇન્સ્પેક્ટરને બાળકીની તપાસમાં સુરત પોલીસ સાથે સામેલ થવા માટે મોકલવામાં આવ્યા છે. ડીજીપી તરફથી થયેલા આ હુકમના આધારે બન્ને પોલીસ ઇન્સ્પેક્ટરે સુરત પહોંચી સુરત પોલીસની તપાસમાં મદદરૂપ બનવાની કામગીરી શરૂ કરી દીધી છે.