મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ લાજપોર જેલમાં કેદીઓને બેકરીની વસ્તુઓ બનાવતા શીખવવાનું અને તેના નફામાંથી કેદીના વેલફેર ફંડમાં દસ ટકા રકમ આપવાનું કહ્યા બાદ જેલના સત્તાધીશો સાથે થયેલા એમઓયુનો ઉપયોગ કરી બેંકમાંથી રૂ. 9 લાખની લોન લઈ છેતરપિંડી કરવાના ગુનામાં સીઆઇડી ક્રાઇમની ટીમે ભાવેશ્રી દાવડા બાદ અંકિત મહેતાનો ટ્રાન્સફર વોરન્ટથી કબજો મેળવી બન્નેની પૂછપરછ આદરી છે.

ભાવેશ્રી દાવડા અને અંકિત મહેતાએ લાજપોર જેલના કેદીઓને બેકરીની વસ્તુઓ બનાવતા શીખવવાનું અને તેના નફામાંથી દસ ટકા રકમ કેદીઓના વેલફેર ફંડમાં આપવાનું નક્કી કરી એ રીતનું એમઓયુ બનાવી લીધું હતું. પછી એ એમઓયુ બેંકમાં રજૂ કરી પેકેજિંગ મશીન ખરીદવા માટે એસબીઆઈમાંથી તા. 24-1-17ના રોજ રૂ. 9 લાખની લોન લીધી હતી. લોન લીધા બાદ ન તો મશીન ખરીદ્યું કે ન તો કેદીઓનું કાંઈ કલ્યાણ કર્યું. જેથી આ બન્ને સામે લાજપોર જેલના અધિક્ષકે સીઆઇડી ક્રાઇમમાં ગુનો નોંધાવ્યો હતો.

આ અગાઉ ભાવેશ્રી દાવડા અને અંકિત મહેતા સામે ડાંગમાં છેતરપિંડીનો ગુનો નોંધાઈ ચૂક્યો હતો. જેમાં બન્નેની ધરપકડ પણ થઈ ચૂકી હતી. જેથી બે દિવસ પૂર્વે સીઆઇડી ક્રાઇમની ટીમે ભાવેશ્રી દાવડાનો ટ્રાન્સફર વોરન્ટ મારફતે કબજો મેળવી તેનાં 3 દિવસનાં રિમાન્ડ મેળવ્યા છે. તો બીજી બાજુ આજે શનિવારે સીઆઇડી ક્રાઇમની ટીમે અંકિત મહેતાનો પણ ટ્રાન્સફર વોરન્ટ મારફતે કબજો લઈ રૂ. 9 લાખની છેતરપિંડીના ગુનામાં તેની ધરપકડ કરી હતી. જેને રિમાન્ડની માગણી સાથે આવતી કાલે રજૂ કરવામાં આવશે.

તપાસનીશ અધિકારી સીઆઇડી ક્રાઇમના પોસઈ એમ.એમ. સરવૈયાએ કહ્યું હતું કે જે તે વખતે આ બન્ને જેલના વડાને મળ્યા હતા. જેની ભલામણથી લાજપોર જેલમાં પહોંચ્યા હતા. આ રીતે રાજ્યની અન્ય કોઈ જેલમાં જઈ એમઓયુ બનાવ્યા છે કે કેમ?  એ એમઓયુનો દુરુપયોગ કરી કોઈ છેતરપિંડી કરી છે કે કેમ? એ મુદ્દે તપાસ કરવામાં આવશે.