મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ એન્ટિ ટેરેરિસ્ટ સ્ક્વોડે વાપીમાંથી એક રીઢા નકસલવાદી યુવાનને પકડી પાડ્યો. જે બિહારના લગભગ 50 ગુનામાં વોન્ટેડ હતો. જેના માથે બિહાર સરકારે રૂ. 50 હજારનું ઇનામ જાહેર કર્યું હતું. આવા ખૂંખાર નકસલવાદીને પકડી પાડ્યો છે ત્યારે સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાંથી અત્યાર સુધીમાં કેટલા નકસલવાદી પકડાયા તેની વિગતો અત્રે જાહેર કરવામાં આવી છે.

સુરત જિલ્લાના કામરેજ પોલીસ મથકમાં 2010ના વર્ષમાં નકલસીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. જેમાં અત્યાર સુધીમાં કેટલાક ખૂંખાર નકસલીઓ સહિત કુલ 22ને પકડી પાડ્યા છે. આ ગુનામાં હજુ મોસ્ટ વોન્ટેડ સીમા હીરાની પકડાઈ નથી.

સુરત રેન્જના તત્કાલીન આઇજીપી એ.કે. સિંગ (હાલ પોલીસ કમિશનર-અમદાવાદ)ના ધ્યાન પર આવ્યું હતું કે સુરત રેન્જમાં કેટલીક નકસલી પ્રવૃત્તિ ચાલી રહી છે. આ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવાનું કામ આર.આર. સેલની ટીમને સોંપાયું હતું. આ ટીમે નકસલવાદને લગતું થોકબંધ સાહિત્ય કબજે કર્યું હતું અને આરઆર સેલના તત્કાલીન પોલીસ સબ ઇન્સ્પેક્ટર નિકમે (હાલ નિવૃત્ત) ફરિયાદી બની કામરેજ પોલીસ મથકમાં ગુના રજિસ્ટર નંબર 37-2010 મુજબ ગુનો નોંધાવ્યો હતો.

આર.આર. સેલની ટીમના તત્કાલીન કર્મચારીઓ જ્યોર્જ, મહાદેવ કિસનરાવ સહિતનાઓએ નકસલવાદીઓને પકડવાની કામગીરીશરૂ કરી હતી. એક પછી એક નકસલવાદીઓ પકડવા માંડ્યા. તત્કાલીન ડીવાય.એસ.પી. કે.એમ. પોલરા (હાલ નિવૃત્ત)ના માર્ગદર્શન તળે તપાસ  ચાલી રહી હતી. અત્યાર સુધીમાં 22 નકસલીઓ આ ગુનામાં પકડાયા છે.

આ ગુનામાં મોસ્ટ વોન્ટેડ સીમા હીરાની હાલ મુંબઈમાં રહેતી હોવાનું પોલીસની તપાસમાં સપાટી પર આવ્યું હતું. પણ તેને પકડી પાડવાનું કામ પોલીસ માટે કઠીન સાબિત થયું કારણ કે તે દર પંદર મિનિટે પોતાનું લુક બદલી નાખે છે. કપડાં બદલે એ સાથે ચશ્મા પણ બદલે, કેટલીક વખત ચશ્મા વગર પણ જોવા મળે. આ રીતે અલગ અલગ લુકના કારણે કોઈને તેના વિશેની માહિતી પ્રાપ્ત થતી નથી. આ સીમા હીરાનીને સુરત રેન્જ પોલીસ ઉપરાંત દેશની અનેક પોલીસ શોધી રહી છે.

સુરત રેન્જ પોલીસની તપાસમાં એવી હકીકત સપાટી પર આવી હતી કે સુરતના લિંબાયત વિસ્તારમાં ટ્રેનિંગ ચાલતી હતી. જેમાં જે વ્યક્તિન નકસલવાદી બનાવવાની હોય તેને ગીતો સંભળાવવામાં આવતાં હતાં. જે ગીતો સાંભળ્યા બાદ એ વ્યક્તિ ક્રોધિત બની જાય છે. આ રીતે નકસલવાદની બિજ રોપવામાં આવતાં હતાં.

દેશનાં અન્ય રાજ્યોમાં નકસલી પ્રવૃત્તિ કર્યા બાદ પોલીસની ધરપકડ ખાળવા તેમજ અન્ય નકસલીઓથી બચવા માટે એક દંપત્તી સહિત 9 લોકો સુરતના હજીરા વિસ્તારમાં મજૂરી કામ કરવા આવી ગયા હતા. આ વાતની જાણ ક્રાઇમ બ્રાંચના તત્કાલીન ડીસીપી સુભાષ ત્રિવેદી (હાલ: રેન્જ આઇજીપી, જૂનાગઢ રેન્જ)ને સાંપડી એ સાથે જ તત્કાલીન પોસઈ આર.આર. સરવૈયા (હાલ: એસીપી ક્રાઇમ બ્રાંચ, સુરત) અને તેમની ટીમને આ નકસલીઓને પકડી પાડવાની કામગીરી સોંપી હતી. 2009ના વર્ષમાં એક દંપત્તી અને 7 મહિલા સહિત કુલ 9 પકડાયા હતા. જેની સુરતમાં કોઈ નકસલી પ્રવૃત્તિ ન હતી. જે તે વખતે પોલીસની તપાસમાં એવી હકીકત સપાટી પર આવી હતી કે અન્ય રાજ્યોમાં નકસલી પ્રવૃત્તિ કરવા બદલ અનેક ગુના નોંધાયા હતા. આ તમામ શ્રમિક હતા. જે નકસલી પ્રવૃત્તિ કરવા માંગતા ન હતા. પણ, અન્ય નકસલીઓ ધરાર નકસલી પ્રવૃત્તિ કરાવતા હતા. જો નકસલી પ્રવૃત્તિ ન કરે તો ખૂંખાર નકસલીઓ તેને મારી નાખે તેમ હતી. અને નકસલી પ્રવૃત્તિ કરે તો પોલીસ હેરાન કરે. આવી સ્થિતિમાં જીવતા આ તમામ સુરત મજૂરી કામ માટે આવી ગયા હતા.