મેરાન્યૂઝ નેટવર્ક, સુરત:  મુંબઈ રહેતા એક ગુજરાતી એક્ટરે સુરતમાં રિંગરોડ પરની કાપડ માર્કેટના ત્રીજા માળેથી પડતું મૂકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટના સંદર્ભે સલાબતપુરા પોલીસ અજાણ હોવાનું જાણવા મળ્યું છે.

મુંબઈથી છેલ્લા બે દિવસથી ગુમ થયેલા એક ગુજરાતી એક્ટર યુવાને અનમોલ માર્કેટના ત્રીજા માળેથી રહસ્યમય સંજોગોમાં કૂદકો મારી દીધો હતો. જોકે પાર્કિંગના શેડ પર પટકાયા બાદ નીચે પટકાતા યુવકનો જીવ બચી ગયો હતો. પરંતુ તેને ગંભીર ઈજા થઈ હોવાથી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ રજા લઈ તેને મુંબઈ રવાના કરી દેવાયો હતો.

 મુંબઈના કાંદિવલી વિસ્તારમાં રહેતા શ્યામ પ્રફુલભાઈ માખેજા(28)એક્ટર છે. શનિવારે મળસ્કે રિંગરોડ ખાતે આવેલી અનમોલ માર્કેટના ત્રીજા માળેથી શ્યામ કૂદી પડ્યો હતો. જોકે નીચે ગાડીઓ પાર્ક કરવા માટે બનાવેલા પતરાનાં શેડ પર પડતા તેનો જીવ બચી ગયો હતો. પરંતુ તે ગંભીર રીતે ઘવાયો હતો. સિક્યુરિટીએ પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયો હતો. સારવાર બાદ રજા લઈ તેમને તાત્કાલિક મુંબઈ રવાના કરી દીધા હતા. પોલીસ શ્યામભાઈના નિવેદનો લે તે પહેલા તેમને મુંબઈ રવાના કરી દેવાતા તેમણે ક્યાં કારણોસર આવું પગલુ ભર્યુ તે પોલીસ પણ જાણી શકી ન હતી.

કાંદિવલી પોલીસે જણાવ્યું હતું કે શ્યામભાઈ ગઈ તા.31મી મેના રોજ  મુંબઈથી ગુમ થઈ ગયા હતા. જેથી તેમના પરિવારે તેમની શોધખોળ હાથ ધરી હતી. જોકે તેમનો ક્યાંય પત્તો ન લાગતા આખરે પરિવારે કાંદિવલી પોલીસ મથકમાં 31મીએ તેમના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.