મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ મથુરાથી ખાસ સુરત આવેલા મુસ્લિમ કારીગરોએ એક મહિનાની મહેનતના અંતે તૈયાર કરેલા 65 ફૂટના રાવણના પૂતળાનું 300 પ્રકારના ફટાકડાની આતશબાજી વચ્ચે હજારોની હાજરીમાં પાંચ મિનિટમાં દહન કરવામાં આવ્યું હતું.

ઇષ્ટનો અનિષ્ટ પર વિજય, દૈવી શક્તિનો આસુરી શક્તિ પર વિજય, ધર્મનો અધર્મ પર વિજય એવા વિજયા દશમી યાને દશેરાના દિવસે સુરતમાં વીઆઇપી રોડ 65 ફુટના બનાવાયેલા રાવણના પુતળાનું 5 મિનિટમાં દહન થઇ ગયું હતું. જયશ્રી રામના નારા સાથે વીઆઇપી રોડ ગુંજી ઉઠ્યો હતો.અડધો કલાક સુધી ચાલેલી  રંગબેરંગી આતશબાજીએ આકાશ નવરંગોથી શોભી ઉઠ્યું હતુ, હજારોની મેદની રાવણ દહન જોવા  ઉમટી હતી. લગભગ 300 જેટલી જુદી  જુદી જાતના ફટાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આદર્શ રામલીલા ટ્રસ્ટ દ્રારા વેસુ રોડ પર રામલીલાનો કાર્યક્રમ થાય છે, બહારથી આવેલા કલાકારો સ્ટેજ પર રામલીલા ભજવતા હોય છે, પછી તે જ સ્થળ પર રાવણ દહન થતું હોય છે. પણ આ વખતે રામલીલા ભજવાઇ વેસુમાં પણ રાવણનું દહન થયું વીઆઇપી રોડ આવેલા પાલિકાના ખાનગી પ્લોટમાં.તમને જાણીને નવાઇ લાગશે કે 65 ફુટના રાવણને તૈયાર કરવા માટે મથુરાથી એક મહિના પહેલા કારીગરો સુરત આવી જાય છે અને બધા કારીગરો મુસલમાન હોય છે.રાવણને બાળવા માટે સુતળી બોંબથી માંડીને જાત જાતની આતશબાજીનો ઉપયોગ થયો હતો.