મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ અયોધ્યા ખાતે રામ મંદિર બનાવવાના વિવાદ પર સુપ્રીમ કોર્ટ દ્વારા આગામી સુનાવણીની તારીખ આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણી આગામી 10 જાન્યુઆરી પર મુલત્વી કરી છે. આ નિર્ણય 60 સેકન્ડથી પણ ઓછા સમયમાં લેવામાં આવ્યો અને કોર્ટે બંને પક્ષો પૈકી કોઈની પણ દલીલ સાંભળી નહીં. તેનું સહુ કોઈને આશ્ચર્ય થયું હતું. જોકે કોર્ટે સ્પષ્ટતા એ પણ કરી કે તે પહેલા ત્રણ જજોની નવી બેચ બનાવવામાં આવશે જે આ કેસની સુનાવણી કરશે.

નવેમ્બર 2018માં એડવોકેટ હરિનાથ રામ દ્વારા પીઆઈએલ કરાઈ હતી કે આ કેસમાં રોજ સુનાવણી કરવામાં આવે. રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદનો વિવાદ અનેક દાયકાઓ જુનો છે અને કરોડો લોકોની માન્યતાઓ સાથે જોડાયેલો છે તેથી તેને વહેલી તકે સુનાવણી કરી દેવાય તે માટે પીટીશન કરાઈ હતી. જોકે કોર્ટે અયોધ્યા મામલા પર રોજ સુનાવણી કરવાની અરજીને પણ ફગાવી દીધી છે. આ કેસ ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈ અને જસ્ટીસ કિશન કૌલની બેચ સમક્ષ સૂચીબદ્ધ હતો. જેના દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટના સપ્ટેમ્બર 2010ના ચૂકાસાની સામે 14 અપીલો થઈ તેના પર સુનાવણી માટે સભ્યો-જજોની બેચ રચવાની આશા હતી.