મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી : મહિલાઓ પણ સબરીમાલા મંદિરમાં જઇને પૂજા કરી શકે તે બંધારણીય અધિકાર છે. તેમની સાથે કોઇ ભેદભાવ કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટેના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પાંચ જજની બંધારણ બેન્ચે કહ્યું છે કે, કોઇ કાયદો ન હોવાની સ્થિતિમાં પણ મંદિરમાં પૂજાના નામે મહિલાઓ સાથે ભેદભાવ ન કરી શકાય અને મંદિરમાં જવાનો અધિકાર કોઇ કાયદાનો મોહતાજ નથી. 

કેરળના સુપ્રસિદ્ધ સબરીમાલા મંદિર મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મંદિરમાં મહિલાઓ માટે પ્રતિબંધ ઠીક એ રીતે છે કે, જેમ કે દલિતો સાથે છૂત-અછૂતનો મામલો. કોર્ટ સલાહકાર રાજુ રામચંદ્રનએ કહ્યું કે, છૂત-અછૂત સામે જે અધિકાર છે તેમાં અપવિત્રતા પણ સામેલ છે. જો મહિલાઓને માસિક ધર્મ વખતે અપવિત્ર હોવાના આધાર પર રોકવામાં આવે તો તે દલિતોની સાથે છૂત-અછૂતની જેમ જ છે.

સુપ્રીમ કોર્ટમાં કરાયેલી એક અરજીમાં ૧૦થી ૫૦ વર્ષની મહિલાઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશ પ્રતિબંધને પડકારવામાં આવ્યો છે. તેની સુનાવણી દરમિયાન રાજુ રામચંદ્રને દલીલ કરી હતી કે, જો મહિલાઓને માસિક ધર્મ માટે રોકવામાં આવે તો તે દલિતો સાથે છૂત-અછૂતની જેમ ભેદભાવનો મામલો જ છે. જયારે બંધારણમાં છૂત-અછૂત સામે બધાને રક્ષણ મળેલું છે. તેમાં ધર્મ, જાતી, સમાજ અને જ્ઞાતિના આધારે કોઈની પણ સાથે કોઈ ભેદભાવ કરી શકાય નહિ.

અગાઉ કેરળ હાઈકોર્ટે પોતાના ચુકાદામાં મહિલાઓના પ્રવેશ પ્રતિબંધને વ્યાજબી ગણાવ્યો હતો. જયારે સુપ્રીમમાં સુનાવણી દરમિયાન ત્રાવણકોર દેવાસમ બોર્ડ તરફથી સીનીયર વકીલ મનું સંઘવીએ કહ્યું હતું કે, દુનીયાભરમાં આવેલા હજારો અયપ્પા મંદિરમાં કોઈ પ્રતિબંધ નથી. પરંતુ સબરીમાલા મંદિરમાં બ્રહ્મચારી દેવ હોવાથી આ વયની મહિલાઓ પર પ્રતિબંધ મુકાયો છે. જે કોઈની સાથે ભેદભાવ નહિ પરંતુ અલગ જેન્ડરનો મામલો છે.આ વખતે જસ્ટીસ રોહિન્ટન નરીમને પૂછ્યું હતું કે, જો કોઈ છોકરીમાં ૯ વર્ષે જ માસિક ધર્મ શરુ થઇ જાય અથવા તો ૫૦ વર્ષ પછી પણ માસિક ધર્મ રહે તો શું..? તેના જવાબમાં સંઘવીએ કહ્યું હતું કે, આ એક પરંપરા હોવા સાથે આ ઉમર મેડીકલની રીતે નક્કી કરાયેલી છે. હવે આગળની સુનાવણી આગામી મંગળવારે કરવામાં આવશે.