મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: રાફેક ડીલ મામલે વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવતા આક્ષેપોનો સામનો કરી રહેલ કેન્દ્રની મોદી સરકારને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. આજે શુક્રવારે સુપ્રિમ કોર્ટે આ મામલે ચુકાદો આપતા કહ્યું કે 36 રાફેલ યુદ્ધ વિમાન ખરીદવાના એનડીએ સરકારના નિર્ણયમાં કોઈ અનિયમિતતા જોવા મળી નથી. સાથે જ કોર્ટે રાફેલ ડીલને લઇને દાખલ કરવામાં આવેલી બધી જ અપીલોને નામંજૂર કરી દીધી છે.

સુપ્રીમ કોર્ટ કહ્યું કે આ પ્રક્રિયાને લઇને અમે સંતુષ્ટ છી અને શંકાનું કોઈ કારણ નથી. કોર્ટ માટે એ યોગ્ય નથી કે તે એક અપીલ ઓથોરિટી બને અને બધા તબક્કાઓની તપાસ કરે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે અમને એવુ કંશુ જાણવા નથી મળ્યું જેમાં એવુ લાગે કે કોમર્શિયલ પક્ષપાત થયો હોય. CJI રંજન ગોગોઇએ કહ્યું કે ઓફસેટ પાર્ટનરના વિકલ્પમાં દખલ કરવાનું કોઈ કારણ નથી. અમે સરકારને 126 વિમાન ખરીદવા માટે મજબૂર ન કરી શકીએ અને કોર્ટે માટે તે યોગ્ય પણ નથી કે તે કેસના દરેક તબક્કાની તપાસ કરે. વિમાનની કિંમતોની ડિટેલ્સની સરખામણી કરવી કોર્ટનું કામ નથી.

CJI રંજન ગોગોઇએ કહ્યું કે રાફેલ ડીલ પર લોકોની અંગત ધારણા શું છે તેનો કોઈ અર્થ નથી. આ પ્રકારની ડિફેન્સ ડીલમાં ન્યાયપાલિકાનો અધિકાર સીમિત છે, ખાસ કરીને ત્યારે જ્યારે પ્રતિસ્પર્ધીઓ પાસે ચોથી અને પાંચમી પેઢીના ફાઇટર વિમાન હોય અને આપણે પાસે ન હોય.